
કૃષિ મેળો ૨૦૨૪ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે તા. ૨૧મીથી ત્રિ-દિવસીય રાજ્યકક્ષાનો ભવ્ય કૃષિ મેળો યોજાશે
- Local News
- December 17, 2024
- No Comment
કેન્દ્રીય મંત્રી સી આર પાટીલના હસ્તે રાજ્યકક્ષાના કૃષિ મેળાનું તથા કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી ગીરીરાજ સિંહ એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે
નવસારી કૃષિ યુનિવર્સિટીમાં આશરે 14 વર્ષ બાદ કૃષિ મેળો યોજાવા જઈ રહ્યો છે, જેમાં રાજ્યના 25000થી વધુ ખેડૂતો આ ત્રીદિવસીય મેળામાં કૃષિ ક્ષેત્રની નવી ટેકનોલોજી અને નવા સંશોધનો વિશે માહિતગાર કરવામાં આવશે. કૃષિ ક્ષેત્રમાં નવીન સંશોધનો અને નવી ટેકનોલોજી આવી છે, જે અંગે માહિતી આપવા માટે નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા ત્રીદિવસીય કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, આગામી 21 22 અને 23 થી ડિસેમ્બર ના દિવસે નવસારી કૃષિ મેળો યુનિવર્સિટીના પટાંગણમાં યોજાવા જઈ રહ્યો છે,વર્ષ 2009માં છેલ્લો કૃષિ મેળો યોજવામાં આવ્યો હતો,૧૫માં વર્ષે એટલે કે 2024 માં હવે આયોજન થઈ રહ્યું છે, જેમાં ત્રણ દિવસના કાર્યક્રમમાં અલગ અલગ વિષયો પર ખેડૂતોને માહિતી આપવામાં આવશે.
નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે આગામી તા. ૨૧/૧૨/૨૦૨૪ ને શનિવારથી રાજ્યકક્ષાનો ત્રિ-દિવસીય ભવ્ય કૃષિ મેળો યોજાશે. નવસારી કૃષિ યુનિવર્સિટી અને સસ્મીરા (ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય)ના સંયુક્ત ઉપક્રમે યોજાનારા આ ભવ્ય કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું શનિવારે સવારે ૧૦ કલાકે કેન્દ્રીય મંત્રીઓ ના હસ્તે ઉદ્ઘાટન થશે.કેન્દ્રીય જળ મંત્રી સી. આર. પાટીલ ઉક્ત સમયે કૃષિ મેળાનું ઉદ્ઘાટન કરશે,જ્યારે કેન્દ્રીય ટેક્ષટાઇલ મંત્રી ગિરિરાજ સિંહ એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરશે. રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ ઉદ્ઘાટન સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૨૧ ડિસેમ્બર ૨૦૨૪ થી શરૂ થનારા રાજ્યકક્ષાના કૃષિ મેળાની પ્રાથમિક વિગતો આપતા નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. ઝીણાભાઈ.પી. પટેલે જણાવ્યું હતું કે, આ ત્રિ-દિવસીય કૃષિ મેળામાં ૨૫ હજારથી વધુ ખેડૂતો ભાગ લેશે. આ ઉપરાંત ૧૨૦ જેટલા પ્રદર્શન સ્ટોલ અને ૫૦૦ જેટલા ખેડૂત અગ્રણીઓની સહભાગિતા પણ આ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા હોવાનું તેમણે ઉમેર્યું હતું.
ડો. ઝીણાભાઈ પી. પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, તા. ૨૩ ડિસેમ્બર ૨૦૨૪ સુધી ચાલનારા આ કૃષિ મેળામાં ખેડૂતો ઉપરાંત પશુપાલકો, કૃષિ ડિલર્સ, ડિસ્ટ્રીબ્યુટર્સ, સહકારી તથા સરકારી સંસ્થા, કૃષિ વૈજ્ઞાનિકો તેમજ કોલેજ-શાળાના વિદ્યાર્થીઓ પણ મુલાકાત લેશે. આ ત્રિ-દિવસીય કૃષિ મેળો સવારે ૮ કલાકથી રાતના ૮ કલાક સુધી ખુલ્લો રહેશે.યુનિ.ના કુલપતિ ડો.ઝેડ.પી પટેલે ખેડૂતો સહિત જાહેર જનતાને આ કૃષિ મેળાની મુલાકાત લેવા માટે અને માર્ગદર્શન મેળવવા માટે નિમંત્રણ પાઠવ્યું છે.
મહત્વનું છે કે, ખેડૂતોને આધુનિક ખેતી પદ્ધતિ, નવીન ટેક્નોલોજી, નવીન પાકોની વિવિધતા તેમજ ખેત સાધન સામગ્રી અંગે માર્ગદર્શન મળી રહે તે માટે સ્થાનિક કક્ષાએ કૃષિ મેળાનું આયોજન કરવામાં આવે છે. જેમાં પ્રગતિશીલ ખેડૂતો, વૈજ્ઞાનિકો, કૃષિના તાંત્રિક અધિકારી, કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકો અને અધિકારીઓ,કૃષિ ક્ષેત્ર તેમજ આત્માના અધિકારીઓ કૃષિને લગતા વિવિધ વિષયો પર ઉપસ્થિત ખેડૂતોને માર્ગદર્શન પુરૂ પાડે છે. કૃષિ મેળામાં વિવિધ પ્રદર્શન સ્ટોલથી ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે એક જ સ્થળેથી માહિતી અને માર્ગદર્શન મળી રહે છે. આ ઉપરાંત ખેડૂતો માટે સેમીનાર પણ યોજાય છે અને સરળતાથી જાણકારી મળી રહે તે માટે માહિતીસભર સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવે છે.
કૃષિ મંત્રી રાઘવજી પટેલની વિશેષ ઉપસ્થિતિમાં કૃષિ મેળો અને એગ્રો ટેક્ષટાઈલ કેન્દ્રનું ઉદ્ઘાટન કરવામાં આવશે:૧૨૦ પ્રદર્શન સ્ટોલ, ૫૦૦ ખેડૂત અગ્રણીઓ અને ૨૫ હજારથી વધુ ખેડૂતો દ્વારા મુલાકાત એ કૃષિ મેળાની મુખ્ય વિશેષતા