
એક જ સપ્તાહમાં નવસારી કૃષિ યુનિવર્સિટીને મળ્યું બીજું રાષ્ટ્રીય સન્માન :“જળ સંરક્ષણ” અભિયાન હેઠળ કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને “જળ પ્રહરી સન્માન” પ્રાપ્ત થયું
- Local News
- December 20, 2024
- No Comment
નવસારી સંસદીય મતક્ષેત્રના લોકલાડીલા સાંસદ અને ભારત સરકારના જળ શક્તિ મંત્રાલયના માનનીય કેન્દ્રીય કેબીનેટ મંત્રી સી. આર. પાટીલના માર્ગદર્શન હેઠળ નવી દિલ્હી ખાતે આયોજીત વરસાદી પાણીનું જળસંચય માટે ઉમદા કામગીરીઓ કરનારાઓને લોકો તેમજ સામાજિક સંસ્થાઓ તથા શૈક્ષણિક સંસ્થાઓ સન્માનિત કરવાનો સમારોહ યોજાવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં દેશની અગ્રીમ પંક્તિની નવસારી કૃષિ યુનિવર્સિટીના યશસ્વી કુલપતિ ડો. ઝેડ. પી. પટેલને વરસાદી પાણીના સંરક્ષણ માટે કરેલા અથાગ પ્રયત્નો બદલ “જળ પ્રહરી સન્માન” થી સન્માનિત કરાયા હતા.
જળ શક્તિ મંત્રાલયના નેજા હેઠળના આ વિશિષ્ટ કાર્યક્રમમાં કેન્દ્રીય રાજ્ય મંત્રી રાજ્ભુષણ ચૌધરી,રવનીત સીંઘ બિટ્ટુ અને અન્ય મહાનુભાવોની હાજરીમાં આ સન્માન એનાયત કરતા નવસારી કૃષિ યુનિવર્સિટીએ જળ સંચય અને સંરક્ષણ ક્ષેત્રે કરેલા અદ્ભુત પ્રયાસોને રાષ્ટ્રીય ઓળખ મળી છે. નોંધનીય છે કે હજુ ૧૩ ડિસેમ્બરે જ આસામના ગૌહાટી ખાતે યોજાયેલ ડીજીટલ ટ્રાંસફોર્મેશન કોન્કલેવમાં, તેઓના માર્ગદર્શન હેઠળ વિકસાવાયેલ “એગ્રીકલ્ચરલ એક્ષ્પેરીમેન્ટ મોનીટરીંગ સીસ્ટમ” એપ્લીકેશન બદલ “ડીજીટલ ટ્રાંસફોર્મેશન નેશનલ એવોર્ડ” યુનિવર્સિટીને એનાયત થયો હતો. આમ, એક જ સપ્તાહમાં કૃષિ યુનિવર્સિટીએ બીજું રાષ્ટ્રીય સન્માન મેળવતા સર્વત્ર આનંદ અને ગર્વની લાગણી વ્યાપી ગઈ છે.
ડો. ઝીણાભાઈ પી. પટેલે યુનિવર્સિટીના ૧૦૦૦ એકરના ફાર્મમાં ૮ જેટલા તળાવોને ઊંડા કરાવવામાં અંગત રસ લઈને યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમના વૈજ્ઞાનિકો સાથે તાલમેલ સાધી વરસાદી પાણી વહી જતું અને વ્યર્થ જતું અટકાવવા પગલા લીધા છે. તેઓએ જમીન સુધારણા અને જળ સંચય અને સંરક્ષણ માટે ૯×૯ ફૂટનો પરકોલેશન પીટ શોષક ખાડો બનાવીને ૫ બોર કરીને ફિલ્ટર લગાવીને નવસારી પંથકમાં થતી અનરાધાર વરસાદની હેલીના અંદાજે ૨૫ લાખ લીટર પાણીને બરબાદ થતું બચાવીને, જમીનમાં ઉતારીને, જમીનના પાણીના સ્તર ઊંચા લાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ૪૦ જેટલા ટ્યુબ વેલ ધરવતા કેમ્પસમાં ભૂગર્ભ જળ સ્તર સુધારણા અને વરસાદી જળ સંચય અને સંરક્ષણ દ્વારા સિંચાઈ માટે યોગ્ય પાણીની ઉપલબ્ધતા પણ વધી છે. ડો. ઝેડ. પી. પટેલે આગામી સમયમાં આ અભિયાનને વધુ વેગવંતુ બનાવવાની નેમ જાહેર કરવા સાથે આ ઉમદા કાર્ય અને સિદ્ધિ માટે યુનિવર્સિટીના જળ અને જમીન વ્યવસ્થાપન સંશોધન એકમના વડા ડો. વિકાસ આર. નાયક અને તેઓની સમર્પિત ટીમના સભ્યોના અથાક પ્રયાસો અને મહેનતને હૃદયથી બિરદાવી હતી.