
જલાલપોરના દાંતી ગામે સ્વામિત્વ યોજના અંતર્ગત ૨૫૦ લોકોને પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
- Local News
- January 18, 2025
- No Comment
રાજ્યકક્ષાના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિના અધ્યક્ષ સ્થાને આજે જલાલપોર તાલુકાના દાંતી ગામ ખાતે સ્વામિત્વ યોજના અંતર્ગત પ્રોપર્ટી કાર્ડ વિતરણનો જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ એ સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને પોતાના ઘરના અધિકૃત માલિક બનવા બદલ શુભકામનાઓ પાઠવીને સ્વામિત્વ યોજના જેવી અમૂલ્ય ભેટ આપવા બદલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો સહદય આભાર વ્યક્ત કર્યો હતો. સંપત્તિનો દસ્તાવેજ મળવાથી ગ્રામીણ નાગરિકો સાચા અર્થમાં તેમની પ્રોપર્ટીના માલિક બન્યા છે એમ ઉમેર્યું હતું.
પ્રોપર્ટી કાર્ડ એ માત્ર કાગળ કે દસ્તાવેજ નથી, પરંતુ પ્રગતિનો રસ્તો છે, તેમ ગૌરવસહ જણાવી મંત્રીએ છેવાડાનો માનવી મુખ્ય પ્રવાહમાં આવી રહ્યો છે, તેમ જણાવ્યું હતું. સ્વામિત્વ યોજનાના લાભાર્થીઓને સંપત્તિના માલિક તરીકે સંબોધીને શ્રી હળપતિએ સ્વામિત્વ યોજનાનું મહાત્મય વર્ણવ્યું હતું.
હવે આ કાર્ડધારકોને સરળતાથી બેંકમાંથી લોન મળશે અને આર્થિક સમૃદ્ધિના દ્વાર ખુલશે, તેમ કહીને મંત્રીએ સ્વામિત્વ યોજનાને માત્ર આવશ્યકતાઓ પૂર્ણ કરનારી નહીં, પરંતુ આકાંક્ષાઓને પાંખ આપનારી ગણાવી હતી. રાજ્યમંત્રી હળપતિએ ઉપસ્થિત સૌને નશામુક્તિ અને સ્વચ્છતા માટેની ઝૂંબેશમાં સહભાગી થવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો.
ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલે સ્વામિત્વ યોજના થકી ગ્રામજનોના જીવનમાં આવનારા સુખદ પરિવર્તનની વાત કરી હતી. તેમજ સ્વામિત્વ યોજનાના લાભો વર્ણવી પ્રોપર્ટી કાર્ડ અંગે મહત્વની વાતો કરી હતી.
નવસારીના પ્રાંત અધિકારી જન્મ ઠાકોરે સ્વાગત ઉદ્બોધનમાં કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમજ આભારવિધિ પણ કરી હતી. ઉપસ્થિત સૌ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વામિત્વ યોજના અંતર્ગત દેશવ્યાપી પ્રોપર્ટી કાર્ડના વિતરણ અને યોજનાના લાભાર્થી કાર્ડધારકો સાથે સંવાદનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. કાર્યક્રમના અંતે મહાનુભાવોએ શાળાના પરિસરમાં વૃક્ષારોપણ કર્યું હતું.
દાંતી પ્રાથમિક શાળા ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, પ્રાંત અધિકારી, પ્રાયોજના વહીવટદાર, મામલતદાર સહિત સ્થાનિક અધિકારીઓ,ગામના સરપંચ, પ્રાથિમક શાળાના આચાર્ય સહિતનો સ્ટાફ, લાભાર્થીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.