
તા.૮ મી માર્ચ પ્રધાનમંત્રીના વાંસી-બોરસી ખાતેના કાર્યક્રમ અન્વયે કાયદો/વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તે માટે જાહેરનામું બહાર પડાયું
- Local News
- March 3, 2025
- No Comment
નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે તા.૦૮/૦૩/૨૦૨૫ ના રોજ આત્મનિર્ભરતાથી આત્મસન્માન–લખપતી દીદી વંદના કાર્યક્રમમાં માન.વડાપ્રધાન તેમજ ગુજરાત રાજયના માન.મુખ્યમંત્રી/મંત્રીઓ રાજયના ઉચ્ચકક્ષાના પદાધિકારીઓ/અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. તેમજ ખૂબ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહેનાર હોઇ અને ઉપરોકત મહાનુભાવો ઝેડ પ્લસ કેટેગરી સુરક્ષા કવચ તેમજ એસ.પી.જી.સુરક્ષા ધરાવતા હોઇ અને કાર્યક્રમ દરમિયાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે જરૂરી છે.
જે અન્વયે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ યોગરાજસિંહ બી. ઝાલાએ મળેલી સત્તાની રૂએ એક જાહેરનામાં દ્વારા માન. વડાપ્રધાન ના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતેના તા.૦૮/૦૩/૨૦૨૫ ના કાર્યક્રમ દરમિયાન જાહેર સલામતી સુરક્ષા જળવાય રહે તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય રહે તે હેતુસર તા.૦૬/૦૩/૨૦૨૫ થી તા૦૮/૦૩/૨૦૨૫ સુધી નવસારી જિલ્લામાં જમીનથી આકાશ તરફ તુકકલ, ફુગ્ગા, પતંગ, વાવટા, ડ્રોન, સિન્થેટીક પ્લાસ્ટીક તેમજ અમુક કલરના કપડા હાથમાં લઇ ફરકાવવા/ઉડાડવા ઉપર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ જાહેરનામું તા.૦૬/૦૩/૨૦૨૫ થી તા.૦૮/૦૩/૨૦૨૫ સુધીના સમયગાળા માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ -૨૨૩ હેઠળ બિન જામીનલાયક ગુના માટે શિક્ષાને પાત્ર થશે.