
આઝાદીની લડતમાં નવસારીની મહિલાઓએ સંસ્કારી નગરીને ગૌરવ અપાવ્યું, 32 મહિલાઓએ અંગ્રેજો સામે લડત આપી હતી
- Local News
- March 4, 2025
- No Comment
લખપતિ દીદી સન્માન સમારોહઃ સ્વાતંત્ર્ય સંગ્રામની નવસારીની વીરાંગનાઓને લાખ લાખ વંદન:અનેક મહિલાઓએ સરઘસો, સત્યાગ્રહો અને રાષ્ટ્રીય ચળવળ વખતે સક્રિય ભાગ લઈ ખુમારી અને નારી શક્તિના દર્શન કરાવ્યા હતા
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરક ઉપસ્થિતિ વચ્ચે નવસારીના વાંસી બોરસી ગામે આગામી તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિને લખપતિ દીદી સન્માન સમારોહ યોજાવા જઈ રહ્યો છે ત્યારે આઝાદીની લડતમાં નવસારીની મહિલાઓનું અમૂલ્ય યોગદાન ભૂલી શકાય તેમ નથી. અનેક મહિલાઓએ આઝાદીની લડતમાં પોતાના પ્રાણની આહૂતિ આપી મહામૂલી આઝાદી અપાવી હતી. ત્યારે આ ઉજવણીમાં સ્વાતંત્ર્ય સંગ્રામની વીરાંગનાઓના ત્યાગ અને બલિદાનને યાદ કરવુ એ પ્રાસંગિક લેખાશે.
સંસ્કારી નગરી નવસારી બે હજાર વર્ષનો ભવ્ય ઐતિહાસિક વારસો ધરાવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામની વાત કરીએ તો, નવસારીમાં ગાંધીજીની દાંડીયાત્રાએ આઝાદીની ભાવના બળવત્તર બનાવી હતી. જેને પગલે મહિલાઓએ પણ સરઘસો, સત્યાગ્રહો અને રાષ્ટ્રીય ચળવળ વખતે સક્રિય ભાગ લીધો હતો. આઝાદીની લડતમાં નવસારીની મહિલાઓનો એટલો દઢ સંકલ્પ હતો કે, અંગ્રજોનો જોર જુલમ પણ તેઓઓને ટસથી મસ કરી શકયા ન હતા.
ઈતિહાસના પાને અંકિત થયેલી કેટલીક મહિલાઓની કહાની અહીં રજૂ કરવાનો પ્રયાસ કરાયો છે. જે અંગે માહિતી આપતા નવસારીના શિક્ષણવિદ્ અને લેખક ગૌતમભાઈ મહેતા જણાવે છે કે, નવસારીના આંગણે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિવસે આવી રહ્યા છે ત્યારે સૌ કોઈ માટે આ ગૌરવવંતો દિવસ છે. સ્વાતંત્ર્ય સંગ્રામમાં નવસારીની બહેનોની નિર્ભયતા, અડગતા અને આપત્તિનો સામનો કરવાની મકકમતા એ ઊડીને આંખે વળગે એમ હતી. આઝાદીની લડતમાં યોગદાન આપનાર મહિલાઓની સંઘર્ષ ગાથામાંથી આજની નારીઓને પ્રેરણા મળે એમ છે.
સ્વાતંત્ર્ય સેનાની ગજરાબેન ગુલાબભાઈ મહેતા (અજરાઈ)નું વતન અમલસાડ હતું. એમના ઘરમાં પહેલાથી જ રાષ્ટ્રીય ભાવનાની જ્યોત ઝળહળતી હતી. 1930ની સાલમાં ગજરાબેન અમલસાડ અને કછોલીની બહેનો સાથે વિવિધ આંદોલનમાં જતા હતા. 1942માં પતિ ગુલાબભાઈની ધરપકડ થતા ભાંગફોડની કેટલીક સામગ્રી સગેવગે કરવાનું કામ ગભરાયા વિના તેમણે પાર પાડ્યુ હતું.
સ્વાતંત્ર્ય સેનાની ગજરાબેન લાલભાઈ નાયક 1935માં નવસારીમાં સ્થાયી થયા બાદ 1942ની આઝાદીની લડતમાં ભાંગફોડની પ્રવૃત્તિ માટે સ્ફોટક સામગ્રી એમને ત્યાં બનાવવાનું નક્કી થયું હતું. આ જોખમી કામમાં ગજરાબેનની ભૂમિકા મહત્વની હતી. જો કે પોલીસને આ વાતની ગંધ આવતા એમના નિવાસસ્થાને છાપો મારી ઝડતી લેવામાં આવી પરંતુ ગજરાબેને આ સામગ્રી સૂઝબૂઝથી સંતાડી આ કાર્ય હિમંતભેર પાર પાડયુ હતું.
અંચેલી ગામના શાંતાબેન ભીમભાઈ નાયકે 1930ની લડતમાં પ્રભાતફેરી, સરઘસ વગેરેમાં ભાગ લેતા પોલીસે તેમને પકડયા હતા અને છ માસની સખત કેદ અને રૂ. 500 નો દંડ થયો હતો. 1942ની લડતમાં મંદિર ગામેથી પકડાયા અને જલાલપોરની કોર્ટમાં ચાર માસની સજા થઈ હતી. એ સજા સાબરમતી જેલમાં પુરી કરી હતી.
કછોલીના ગજરાબેન કીકુભાઈ નાયકે 1932માં ગાંધી- ઈર્વિન સંધિ વખતે થયેલા આંદોલનમાં ભાગ લઈ સ્વદેશી અને દારૂબંધીનો પ્રચાર કરી મહિલાઓને આ લડતમાં સામેલ કરી હતી. જલાલપોર અને બારડોલી ગામમાં તેઓ ટુકડી સાથે ફરી રહ્યા હતા ત્યારે બારડોલીના સરભોણ ગામેથી આખી ટુકડીની ધરપકડ થતા છ માસની કેદ થઈ હતી. 1941માં મોહનપુર ગામમાં થયેલા સત્યાગ્રહમાં ભાગ લેતા બે માસની સાદી કેદ થઈ હતી.
વેગામ (ડાંભેર)ના મણિબેન દયાળજી દેસાઈમાં સામાજિક સુધારા અને રાષ્ટ્રીયતાની ભાવના બાળપણથી વિકસી હતી. સુરતમાં 1942ની હિંદ છોડો લડતમાં વનિતા વિશ્રામની બહેનો સાથે ભાગ લઈ તા. 20-04-1943ના રોજ તેમની આગેવાની હેઠળ સુરતમાં સરઘસ નીકળ્યુ હતું. જેમાં તેમની ધરપકડ થતા છ માસની સજા થઈ હતી. જેલમાંથી છુટી ગામમાં મહિલા મંડળની પ્રવૃત્તિ ચાલુ કરી હતી. બાળ વિધવા થયેલા મણિબેને પુનઃલગ્ન કરી સમાજમાં સામાજિક સુધારાનો દાખલો બેસાડ્યો હતો.
ગડત ગામના ઈચ્છાબેન નાથુભાઈ નાયકનું ઘર આઝાદીની લડતમાં જુદી જુદી પ્રવૃત્તિઓનું કેન્દ્ર હતું. એમના જુસ્સાના કારણે મુંબઈથી પણ બહેનો કોલેજ છોડી આઝાદીની લડતમાં અહીં આવી હતી. એમનું ઘર લડતની છાવણી જેવુ બની ગયું હતું.
ગણદેવીના જયોત્સનાબેન બંસીલાલ કાપડીયા 1942માં ગણદેવીની જુની હાઈસ્કૂલમાં મેટ્રીકનો અભ્યાસ કરતા હતા ત્યારે આઝાદીની લડતમાં ભાગ લેવા અભ્યાસ છોડી સભા-સરઘસમાં નિયમિત ભાગ લેતા હતા.
આ સિવાય પણ અનેક મહિલાઓએ આઝાદીના સ્વાતંત્ર્ય સંગ્રામમાં પોતાનું શ્રેષ્ઠ યોગદાન આપી નવસારીની ધરતીને ગૌરવ બક્ષ્યુ હતું. સમગ્ર નારી શક્તિને વંદન કરી સ્વાતંત્ર્ય સંગ્રામમાં એમની ભૂમિકાને યાદ કરી પ્રેરણા લઈ એ યથાર્થ કહેવાશે.
આઝાદીની લડતમાં યોગદાન આપનાર સ્વાતંત્ર્યસેનાની બહેનો/વીરાંગનાઓ
1. ઈચ્છાબેન નાથુભાઈ નાયક- ગડત, 2. ગજરાબેન કીકુભાઈ નાયક- કછોલી, 3. ગજરાબેન ગુલાબભાઈ મહેતા- અજરાઈ, 4. ગજરાબેન લાલભાઈ નાયક- ગણદેવી, 5. જયોત્સનાબેન બંસીલાલ કાપડીયા- ગણદેવી, 6. મણિબેન કાળીદાસ દેસાઈ- સમરોલી, 7. મણિબેન દયાળજી દેસાઈ – વેગામ(ડાંભર), 8. ડો.લલિતાબેન એન.શાહ- એંધળ, 9. શાંતાબેન વિઠ્ઠલભાઈ પટેલ-સોજિત્રા, 10. શાંતાબેન ભીમભાઈ નાયક- ધનોરી, 11. શાંતાબેન દિનેશચંદ્ર મોતીવાળા- ગણદેવી, 12. કમળાબેન દયાળજી દેસાઈ-ચીખલી, 13. કાશીબેન રતનજી દેસાઈ- સમરોલી, 14. કુસુમબેન ધીરૂભાઈ દેસાઈ- અગાસી, 15. ગુલાબબેન મગનલાલ કાપડીયા- ચીખલી, 16. જયાબેન મનુભાઈ મહેતા- ચીખલી, 17. દેવકોરબેન વલ્લભરામ મહેતા- ચીખલી, 18. પાર્વતીબેન ગોપાળજી સુરભાઈ દેસાઈ- ચીખલી, 19. પાર્વતીબેન ગોપાળજી દેસાઈ- ચીખલી, 20. પાર્વતીબેન ભીખુભાઈ નાયક-તલાવચોરા, 21. મણીબેન કાળીદાસ દેસાઈ-સમરોલી, 22. માનીબેન વલ્લભભાઈ દેસાઈ-સમરોલી, 23. રતિબેન દેસાઈ-ચીખલી, 24. વિજ્યાબેન ઝીણાભાઈ દેસાઈ- સમરોલી, 25. શાંતાબેન અંબેલાલ દેસાઈ- દેગામ, 26. ડાહીબેન જે.પટેલ-કરાડી, 27. ગંગાબેન એફ પટેલ- કરાડી, 28. કમુબેન એ.વશી- મટવાડ, 29. ગંગાબેન જી.પટેલ- મટવાડ, 30. મંછાબેન એન.ગાંધી- કરાડી, 31. રામીબેન આર.પટેલ-મટવાડ, 32. દેવીબેન ડી.પટેલ- મટવાડ.
આવી અનેક મહિલાઓએ જેલવાસ પણ ભોગવ્યો હતો, બહેનોની નિર્ભયતા, અડગતા અને આપત્તિનો સામનો કરવાની મકકમતા આજના સમયે અનેક મહિલાઓ માટે પ્રેરણારૂપ