નવસારી જિલ્લાની મહિલાઓ માટે પ્રેરણાદાયી ‘લખપતી દીદી’ ગિંજલબેન પટેલ: અંદાજિત વાર્ષિક રૂપિયા ૨૦ લાખ થી ૨૫ લાખની આવક મેળવતી છીમણ ગામની જે-જે મહિલા ગૃહ ઉધોગની બહેનો
- Local News
- March 5, 2025
- No Comment
રાજ્ય સરકાર મહિલાઓની સુરક્ષા, સન્માન અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવામાં અડીખમ રહે છે. જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા મિશન મંગલમ યોજનાનો ઉદ્દેશ્ય ગ્રામિણ ક્ષેત્રની અસંગઠીત અને ગરીબ મહિલાઓને પગભર કરવાની, મહિલા ઉત્કર્ષ અને સશક્તિકરણ તરફ આગળ ધપાવવાનો છે. બહેનોને જુદા જુદા વ્યવસાયો જેવા કે, સિવણ, ભરતકામ, હેન્ડીક્રાફ્ટ, વર્મીકમ્પોસ્ટ, કઠોળને સાફ કરી તેનું પેકેજીંગ કરી વેંચાણ, અથાણાં, ખાખરા અને પાપડ જેવી વસ્તુઓનું ઉત્પાદન અને વેંચાણ, રસોઈ કામ વિગેરે જેવા વ્યવસાયોમાં સાંકળી પગભર બનાવવામાં આવે છે. ઉત્પાદિત થતા માલના વેંચાણ માટે સરકાર દ્વારા સરસ મેળાઓ યોજી સ્ટોલ ફાળવવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે.

આ યોજના અંતર્ગત એક અભિયાન ઉપાડવામાં આવ્યું છે જે છે ‘લખપતી દીદી’. જેમાં મિશન મંગલમના સખી મંડળમાં જોડાયેલ દરેક બહેન ઓછામા ઓછી એક લાખ રૂપિયાની આવક મેળવતી થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો, અહિ લખપતી દીદીઓના અનેક ઉદાહરણો છે જે પૈકી એક છે. ગિંજલબેન રાહુલભાઈ પટેલ.
સખી મંડળમાં જોડાયા પહેલા વારસાગત મળેલ પાપડ-પાપડી બનાવવાના ઘરગથ્થુ કામકાજમાં પરોવાયેલા સામાન્ય સ્ત્રી આજે સમગ્ર નવસારી જિલ્લા માટે પ્રેરણાદાયી બન્યા છે. જલાલપોર તાલુકાના છીણમ ગામના જે જે મહિલા ગૃહ ઉદ્યોગના પ્રમુખ ગિંજલબેન રાહુલભાઈ પટેલ જેઓ પાપડ-પાપડી તથા કાચી વેફરની બનાવટ થકી વાર્ષિક રૂપિયા ૨૦ લાખથી ૨૫ લાખની આવક મેળવી નવસારી જિલ્લાની તમામ બહેનો માટે પ્રેરણાદાયી બન્યા છે અને બની ગયા છે લખપતી દીદી.

મિશન મંગલમ યોજના હેઠળ આરસેટી સંસ્થા દ્વારા ટ્રેનિગ મેળવી પાપડ-પાપડી તથા કાચી વેફર બનવાટની કામગીરી શરૂ કરી હતી. તેઓના જૂથને રીવોલ્વિગ ફંડ મળ્યો જેનો ઉપયોગ આંતરિક ધિરાણ તરીકે કરવામાં આવે છે. કેશ ક્રેડીટ ૩૫૦૦૦૦/- લાખની લોન ઉદ્યોગના કાચા સમાન માટે કરે છે. પાપડ-પાપડી તથા કાચી વેફરની બનાવટ કામગીરી દરમ્યાન માસિક આવક આશરે ૯૦ હાજર થી ૧લાખ અને વાર્ષિક આવક આશરે ૨૦ લાખ થી ૨૫ લાખ થાય છે.

જે-જે મહિલા ગૃહ ઉધોગમાં ૩૦ બહેનો જોડાઇ છે. આ મંડળના પ્રમુખ ગિંજલબેન પટેલે આ અંગે જણાવ્યું હતું કે, મિશન મંગલમ યોજના સાથે જોડાવાથી અમારા ઉદ્યોગમાંથી ઉત્પાદન થયેલ ચીજવસ્તુઓને માર્કેટ સુધી પહોચાડવા અને લોકોને અમારી પ્રોડક્ટનો આસ્વાદ આપવા અલગ-અલગ ગામો, શહેરો અને રાજ્યોમાં જવા અને વેફર્સની બનાવટોમાં વિવિધતા લાવવાનો પણ એક આગવો અનુભવ થયો છે.

તેમણે પોતાના યુનિટ અંગે જાણકારી આપતા ઉમેર્યું હતું કે, પહેલા ઘરમાં જ પ્રોડક્ટ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના માર્ગદર્શન હેઠળ અ.જા.માટે પેકેજીંગ યુનિટ ઇન્ફ્રાસ્ટ્રકચર માટે ૧.૨૫ લાખની સહાય મેળવી યુનિટ એક્સપાન્ડ કર્યું હતું. આ સાથે માલ સમાન માટે ઓછા વ્યાજદરે વાન પણ લીધી હતી. ત્યાર બાદ પીએમજીપી યોજના અંતર્ગત ૨૫ લાખની લોન અને ૩૫ ટકા સબસીડી મેળવી હતી. આજે પહેલા માળે પ્રોડશન હાઉસ છે જ્યાં વિવિધ પ્રકારની કાચી વેફર બનાવવામાં આવે છે. ત્યાર બાદ પ્રોડકશન હાઉસમા જ વેફરને પ્રાથમિક રીતે સુકવી છત ઉપર સૂર્ય પ્રકાશમાં સંપૂર્ણ રીતે સુકવવામાં આવે છે. ત્યારબાદ ગ્રાઉન્ડ ફલોર ઉપર અધ્યતન ટેકનોલોજીથી પેકેજીંગ કરી વાન મારફત જેતે સ્થળે પહોચાડવામાં આવે છે.

આજે મોટા સુપર માર્કેટમાં અમારી પ્રોડક્ટની માંગ છે. અમારા જુથની બહેનો ગ્રામસભા,સ્થાનિક સભા કે અન્ય કોઈ જાહેર મેળા જિલ્લા અને રાજ્યકક્ષાના મેળામાં નિડર રીતે ભાગ લઈને વેચાણ કરે છે. અને દરેક બહેનો આજે આર્થીક રીતે સધ્ધર છે. આ સિવાય અમારા સંગઠનને મહિલા ગ્રામ સંમેલનમાં ચીખલી ખાતે એવોર્ડ, G-20 સમિત-૨૦૨૩ એવોર્ડ પ્રાપ્ત થયા છે. તથા NSIC તરફથી રાજ્ય અને રાષ્ટ્રીય મેળામાં ફ્રી એન્ટ્રીનો લાભ પણ મેળવ્યો છે.
અંતે તેમણે પ્રધાનમંત્રી સહિત રાજ્ય સરકાર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીને મહિલાઓના વિકાસ માટે સક્રિય કામગીરી કરવા આભાર વ્યક્ત કરી વધુમાં ઉમેર્યુ હતું કે, આજે હું લખપતી બની છું અમારી સાથે જોડાયેલી તમામ મહિલાઓ પણ લખપતી બની છે.

અંતરીયાળ ગામની મહિલાઓને વિવિધ કૌશલ્યની તાલીમ આપી તેમને પગભર બનાવી આર્થિક સધ્ધરતા આપવામાં સખી મંડળ એક મહત્વની યોજના સાબીત થઇ છે. આજે મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળના કારણે મહિલાઓ માટે આત્મનિર્ભર બનવાનો માર્ગ ખુલ્લો મુકાયો છે આ સખી મંડળો આજે મહિલા સશિક્તકરણનું આગવું ઉદાહરણ બની છે.
સંકલન-વૈશાલી પરમાર