
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આ નારી શક્તિને લાખ લાખ વંદનઃ નવસારીની નવ સન્નારી કે જેમણે નવસારીને વિશ્વના નકશામાં ઝળહળતુ કર્યુ
- Local News
- March 6, 2025
- No Comment
સમાજ સેવા માટે જીવન સમર્પિત કરી દેનાર મીઠુબેન પીટીટ, ભારતના પ્રથમ મહિલા તસ્વીરકાર હોમાઈ વ્યારાવાલા, ભારતીય ગઝલને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર પીનાઝ મસાણી નવસારીના છે:ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખ નવસારીનું અમૂલ્ય આભૂષણ ગણાય છે, સુજાતા મહેતાએ ફિલ્મી દુનિયામાં નવસારીને ગુંજતુ કર્યુ, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ કુ. ગીતા ગોપી પણ આપણા નવસારીનું ગૌરવ છે: મહિલા સશક્તિકરણ અને આરોગ્ય ક્ષેત્રે ડો.મધુબેન નાયક,ડો.હર્ષાબેન શાહ અને શિક્ષણ ક્ષેત્રે લીલાબેન દેસાઈનું અભૂતપૂર્વ યોગદાન
ખાસ લેખઃ જિજ્ઞેશ સોલંકી
એવુ કહેવાય છે કે, નવસારીમાં નવ તળાવ પરથી નવસારી નામ પડ્યુ હતું, સંસ્કૃતમાં તળાવને સર કહેવાય છે. એટલે નવ સર પરથી નવસારી નામ પડયુ. આ સિવાય નવસારીથી બહાર ગામ જવાના નવ નાકાં યાને નવ રસ્તા પરથી નવસારી નામ પડ્યાની લોકવાયકા છે. નવસારીમાં તે સમયે નવ બજાર હોવાથી નવસારી નામ પડયુ હોવાનું પણ કહેવાય છે. આમ, નવરંગ નવસારી નામ પાછળ અનેક લોકવાયકા છે. આગામી તા. 8 માર્ચે વિશ્વ મહિલા દિવસે લખપતિ દીદી વંદના સન્માન સમારોહમાં દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી નવસારીના આંગણે આવી રહ્યા છે ત્યારે નવસારીની એવી નવ સન્નારીઓ કે જેમણે સંસ્કારી નગરી નવસારીને દેશ વિદેશમાં સન્માન અપાવી વિશ્વના નકશામાં નવસારીને અણમોલ રતન તરીકે અંકિત કર્યુ છે. ત્યારે આવો જાણીએ આ નવ મહિલાઓની સફળતાની પ્રેરણાદાયી કહાની…
નવસારીના સામાજિક અને શૈક્ષણિક વિકાસમાં પારસી સમાજનું બહુમૂલ્ય યોગદાન છે. મુંબઈના વૈભવશાળી પરિવારમાં જન્મેલા અને ગાંધી રંગે રંગાઈ સમગ્ર જીવન સમાજ સેવા માટે અર્પણ કરી દેનાર મીઠુબેન પીટીટ વિશે માહિતી આપતા નવસારીના શિક્ષણવિદ્ અને લેખક ગૌતમભાઈ મહેતા જણાવે છે કે, 1915માં ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા ત્યારે મીઠુબેન ગાંધીજીના સંપર્કમાં આવ્યાં અને ઈ. સ. 1919માં ગાંધીજીએ ‘રોલેટ ઍક્ટ’ના વિરોધમાં શરૂ કરેલી ચળવળમાં તેમણે ભાગ લીધો હતો. 1923માં બોરસદ સત્યાગ્રહમાં ભાગ લઈ તેઓ છાવણીમાં રહ્યાં હતાં. 1930માં સવિનય કાનૂનભંગ વખતે તેઓ દાંડીમાં કસ્તૂરબા સાથે રહ્યાં હતા. ત્યારબાદ મીઠુબહેને કસ્તૂરબાના સહકારથી ‘સ્ત્રી સ્વરાજ્ય સંઘ’ નામની સંસ્થા સ્થાપી હતી. 30 ડિસેમ્બર, 1930ના રોજ તેમણે મરોલી ખાતે કસ્તૂરબા વણાટશાળાની સ્થાપના કરી હતી.
તે પછી તેમણે મરોલીમાં ઈ.સ. 1931માં કસ્તૂરબા સેવાશ્રમની સ્થાપના કરી અને મહાત્મા ગાંધીજીના હાથે આશ્રમના મકાનનો પાયો સરદાર પટેલ અને સરહદના ગાંધી ખાન અબ્દુલ ગફારખાનની હાજરીમાં નંખાયો હતો. તેમાં સ્ત્રીઓને શિક્ષણ સાથે વ્યવસાયની તાલીમ મળે તે માટે ખાદીપ્રચારનું કામ પણ શરૂ કર્યુ હતું. સવિનય કાનૂનભંગની લડતમાં તેમને ચાર માસની જેલ થઈ હતી. જેલમાંથી છૂટ્યા પછી તેમણે સત્યાગ્રહીઓની સારવારનું કામ કર્યું હતું. મરોલીના કસ્તૂરબા આશ્રમમાં તેમણે દવાખાનું શરૂ કર્યું હતું. ગરીબ દર્દીઓની સેવા ઉપરાંત સત્યાગ્રહોમાં ઘવાયેલાંની સારવાર પણ કરાતી હતી. આજે પણ ત્યાં માનસિક બીમારીવાળા દર્દીઓને રાહતદરે સારવાર અપાઈ છે. મીઠુબહેનની અર્ધી સદી જેટલી લોકસેવાની કદર રૂપે વર્ષ 1961માં ભારત સરકારે તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ એનાયત કર્યો હતો.
ભારતીય ગઝલ ક્ષેત્રે જાણીતુ નામ બની ચૂકેલા પારસી બાનુ પીનાઝ મસાણી નવસારીના છે. પીનાઝબેન જણાવે છે કે, 1998થી દેશ વિદેશમાં દેશની આર્મીના જવાનો માટે, કેન્સરના દર્દીઓ માટે અને બેટી બચાઓ, બેટી પઢાઓ માટે 300 જેટલા શો વિદેશમાં અને 700 શો ભારતમાં કર્યા હતા. આ સિવાય કિશોર કુમાર, બપ્પી લહેરી, આર.ડી.બર્મન અને જયદેવજી સહિતના ગાયકો સાથે 50 થી વધુ ફિલ્મોમાં ગીત ગાયા છે. જે બદલ ભારત સરકાર દ્વારા 2009માં પદ્મશ્રી એવોર્ડ અને 2013માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમના હસ્તે ગુજરાત ગૌરવ એવોર્ડ એનાયત કરાયો હતો. દેશ વિદેશમાં વસતા મોટેભાગના પારસી સમાજના લોકોની જડ નવસારી સાથે જોડાયેલી હોવાનું તેઓ ગર્વથી કહે છે. ભારતીય ગઝલને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે પ્રદાન કરવામાં તેમનું નોંધનીય યોગદાન છે.
ભારતના પ્રથમ મહિલા તસ્વીરકાર હોમાઈ વ્યારાવાલા નવસારીના હોવાનું હરકોઈ ગૌરવ અનુભવે છે. તેમનો જન્મ નવસારીના મધ્યમ વર્ગના પારસી પરિવારમાં થયો હતો. 1938માં સામયિકમાં તસ્વીરકાર તરીકે કારર્કિદી શરૂ કરી 1942માં બ્રિટીશ સરકારના માહિતી ખાતામાં જોડાયા હતા. તેમણે પોતાની કારર્કિદી દરમિયાન અનેક મોટા ગજાના નેતાઓને કેમેરામાં કંડાર્યા હતા. હોમાય વ્યારાવાલાને 2010માં માહિતી અને પ્રસારણ વિભાગ દ્વારા લાઈફ એચિવમેન્ટ અને 2011માં પદ્મવિભૂષણ એનાયત થયો હતો. તેમની ફોટોગ્રાફી ભારતમાં સીમાસ્તંભરૂપ તરીકે ગણાતી હોવાથી આજે પણ અનેક લોકોને પ્રેરણા આપે છે.
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના પ્રપૌત્રી નીલમબેન પરીખ નવસારીનું બહુમૂલ્ય આભૂષણ ગણાય છે. હાલ 93 વર્ષની વયે પણ તેઓ સ્વસ્થ જીવન જીવી રહ્યા છે. તેમના પુત્ર અને નવસારીના જાણીતા ઓપ્થોમોલોજીસ્ટ ડો. સમીર પરીખ જણાવે છે કે, ગાંધીજીના સૌથી મોટા પુત્ર હરિલાલની દીકરી રામીબેન અને રામીબેનના દીકરી એટલે મારા માતૃશ્રી નિલમબેન શરૂઆતમાં તેમણે વ્યારાના આદિવાસી વિસ્તારોમાં શિક્ષણની જ્યોત ઝળહળાવી હતી. આ સાથે જ આદિવાસી પટ્ટીના લોકો શિક્ષણની સાથે ટાઈપીંગ, સિવણ કલાસ, સુથારી કામ અને કેમિકલ ટેકનોલોજીની સ્કીલ શીખી પગભર થઈ શકે તે માટે ઔદ્યોગિક ટ્રેનિંગ વર્ગોની પણ શરૂઆત કરી હતી. ગાંધીજીનું ખોવાયેલુ ધન- હરીલાલ ગાંધી બુક પણ લખી હતી જેને સાહિત્ય એકેડેમી દ્વારા એવોર્ડ પણ મળ્યો હતો.
નવસારીના વતની સુજાતા મહેતાએ ચિત્કાર નાટકમાં મનોપીડિત સ્ત્રીની અવિસ્મરણીય ભૂમિકા અદા કરી ફિલ્મી દુનિયામાં અભિનેત્રી તરીકે નામના મેળવી નવસારીનું નામ રોશન કર્યુ હતું. તેમણે ગુજરાતી અને હિન્દી નાટકોમાં પણ ભૂમિકા ભજવી હતી. ખૂબ જાણીતી ફિલ્મ પ્રતિઘાત અને ગુજરાતી નાટક ચિત્કારમાં તેમણે અભિનયના ઓજસ પાથરી નવસારીને ફિલ્મી દુનિયામાં ઝળહળતુ કર્યુ હતું. યતિમ ફિલ્મમાં પણ શ્રેષ્ઠ અભિનય બદલ ફિલ્મ ફેરનો બેસ્ટ સપોર્ટિંગ એકટરનો એવોર્ડ મળ્યો હતો. ત્યાગી, આજ કી ઔરત, ધરતીપુત્ર, હલચલ અને જજ મુઝરીમ તેમની જાણીતી ફિલ્મો છે.
આપણા સૌ માટે ખુશી અને ગૌરવની વાત છે કે, ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ કુ. ગીતા ગોપી આપણી સંસ્કારી નગરી નવસારીનું અમૂલ્ય ઘરેણું છે. તા. 24 માર્ચ 1966ના રોજ નવસારી ખાતે કુ. ગીતા ગોપીનો જન્મ થયો હતો. સર કે.પી. કોમર્સ કોલેજમાંથી સ્નાતક થયા બાદ નવસારીની વિદ્યાકુંજ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાયા હતા. આ સાથે નવસારીની દિનશા દાબુ લો કોલેજમાંથી કાયદામાં અનુસ્નાતકની પદવી મેળવી આ જ કોલેજમાં પાર્ટ ટાઈમ લેક્ચરર તરીકે પણ સેવા આપી હતી. ત્યારબાદ તા. 24.11.2008 ના રોજ જિલ્લા ન્યાયાધીશના કેડરમાં જોડાયા હતા. હાલ ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ તરીકે અનેકવિધ મહત્વપૂર્ણ ચુકાદા આપી નવસારીનું ગૌરવ વધાર્યું છે.
આમડપોરના વતની ડો. મધુબેન નાયક હાલ હયાત નથી પણ 50 વર્ષ પહેલાં તેમણે નવસારીમાં રેડ ક્રોસની શરૂઆત કરી હતી. રક્તદાન, થેલેસેમિયાગ્રસ્ત બાળકોની મદદ અને કુદરતી આપત્તિ સમયે સેવાધર્મને વિશ્વધર્મ માની પોતાનું કર્તવ્ય નિભાવ્યુ હતું. નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લામાં રેડક્રોસની સેવાનો વ્યાપ વધાર્યો હતો. ગુજરાતના ગર્વનર દ્વારા એમને રેડક્રોસના મહામંત્રી પણ બનાવાયા હતા. એમ.એસ.ગાયનેકની ડીગ્રી ધરાવતા ડો. મધુબેને શહેરના હાર્દ સમા સ્ટેશન રોડ પર જનતા હોસ્પિટલ ચલાવી ગરીબોની નિઃસ્વાર્થ ભાવે સેવા કરી હતી.
આજીવન શિક્ષક તરીકે સમાજની સેવા કરનાર અને નવસારીની ડી.ડી.ગર્લ્સ સ્કૂલમાંથી આચાર્યા તરીકે નિવૃત્ત થયેલા લીલાબેન દેસાઈ આજે પણ 95 વર્ષની વયે ગાંધી વિચારધારાને વરેલા છે. લગ્ન સમયે મંડપમાં પગ મુકયો ત્યારથી તેમણે સોના ચાંદીના ઘરેણાનો ત્યાગ કરી સાદગી અને સમર્પણનો ભાવ રાખ્યો છે. વર્ષ દરમિયાન પહેરવેશ માટે માત્ર બે જ જોડી ખાદીની સાડી ખરીદવી એ એમનો દઢ સંકલ્પ આજપર્યંત ચાલુ છે. અખિલ હિન્દ મહિલા પરિષદમાં જોડાયને મહિલાઓના ઉત્કર્ષ માટે અનેકવિધ પ્રવૃત્તિઓને વેગ આપ્યો હતો. નગરપ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પદને પણ શોભાવ્યુ હતું.
નવસારી જિલ્લામાં મહિલા ઉત્થાનની સૌથી મહત્વની કામગીરી કરનારાઓ પૈકી એક ડો. હર્ષાબેન શાહ ગણાય છે. 1994માં ખારેલ અને ચીખલી વિસ્તારમાં ગરીબ આદિવાસી દર્દીઓને સૌથી આધુનિક તબીબી સારવાર મળી રહે તે માટે ગ્રામ સેવા ટ્રસ્ટની સ્થાપના કરી. 30 પથારીથી શરૂઆત કરી આજે 100 પથારી સાથે 300થી વધુ ગામોના ગરીબ-પછાત આદિવાસી લોકોને રાહત દરે તબીબ સવલત મળી રહી છે. દર વર્ષે 70 હજાર ઓપીડી અને 8 હજાર ઈન્ડોર પેશન્ટ, 1600 ડીલીવરી, 2200 સર્જરી અને 2200 દર્દીનું ડાયાલીસીસ થાય છે. ઓપીડીમાં નિઃશૂલ્ક દવા આપવામાં આવે છે. આ સિવાય મહિલા સશક્તિકરણ માટે સિવણ વર્ગો, હેન્ડીક્રાફટ, ઘરવપરાશની વિવિધ ચીજ વસ્તુઓની બનાવટ, જવેલરી મેકીંગ, ગ્રીન સ્ટોવ અને સંગી સેનેટરી નેપકીન પ્રોજેક્ટ સહિત કિચન ગાર્ડનની પ્રવૃત્તિઓ દ્વારા મહિલાઓને સમાજમાં ગૌરવભેર સન્માન આપવાનું પ્રશંસનીય કાર્ય કરી રહ્યા છે. આ સેવાની સુવાસ છેક ડાંગ સુધી ફેલાઈ છે.
આમ, નવસારીના આર્થિક, સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિકાસમાં અનેક મહિલાઓનો નોંધનીય ફાળો રહ્યો છે. વિશ્વ મહિલા દિને આ તમામ નારી શક્તિને લાખ લાખ વંદન.