નવસારી કલેકટર કચેરી પાસેનો સર.જે.જે.બ્રીજ કાચબા ગતિએ કામ ચાલશે તો હજી બીજા બે-ત્રણ મહિના કાઢશે?!
- Local News
- March 28, 2025
- No Comment
નવસારીના કલેકટર ઓફિસ અને જૂનાથાણા વચ્ચે હાઇવે પર જતો કાલિયાવાડી ખાડીનો પુલ ૧૧૫ વર્ષ પહેલાં નવસારીનું પ્રથમ નાની હોસ્પિટલ જેવું દવાખાનું જે વિકટોરીયા ચેરીટેબલ ડિસ્પેન્સરી માટે રૂ. ૭૫,૦૦૦/- ના ખર્ચે બન્યું હતું. તેના પર અવર-જવર કરવા વચ્ચે ખાડી હોવાથી પ્રજાની સરળતા માટે સર જે.જે.બ્રીજ એટલે કે કાળો પુલ કલેકટર ઓફિસ પાસે બાંધવામાં આવ્યો હતો. વિકટોરીયા ચેરીટેબલ ડિસ્પેન્સરીના સખાવતી તરીકે સર જમશેદજી જીજીભોય અને શેઠ રૂસ્તમજી જીજીભોય હતા. સર જમશેદજી વિધવા પત્નિ આવાંબાઇએ રૂ. ૧૮,૩૭૬/- અને સરકાર દ્વારા ૨,૭૫૫/- મળીને સર જે.જે.બ્રીજ માટે આ પુલ બાંધવામાં આવ્યો હતો.

જબરદસ્ત કાળમીંઢ પત્થરો દ્વારા બનેલો આ પુલ કાળાપુલ નામે પણ ઓળખાતો હતો. ૧૯૮૩ માં આ પુલને પહોળો કરવા માટે વચ્ચે ડિવાઇડર અને નવો પુલ સ્થપતિ ઇન્ડિયાના સ્વ.મહાદેવભાઇ દેસાઇ અને ટીમ દ્વારા તૈયાર થયો હતો.
નવસારી પાલિકાનું મહાનગરપાલિકામાં રૂપાંતર થતાં નવા કમિશ્નર તેમજ કલેકટર અને જિલ્લા વિકાસ અધિકારી એમ ત્રણ પાસે જ તમામ સત્તા રહેવા પામી છે. ત્યારે રાતો રાત પ્રજા વત્સલ બનવા કે કંઇક કરી નાંખવા કે બતાવવા ઉતાવળા થયેલા તંત્રએ કોઇપણ જાહેરાત વિના હાઇવેને જાડતો આ પુલ રાતો રાત બંધ કરાવી દીધો. નવસારીના તંત્રને એટલો ખ્યાલ પણ ન હતો કે હજારો અને લાખ્ખો માણસો અને સેકડો વાહનો નવસારી થી હાઇવે જવા માટે આ રસ્તાનો વપરાશ કરે છે. ૧૦-૧૫ દિવસ ટ્રાફિક જામની સ્થિતિ લુન્સીકુઇથી દશેરા ટેકરી અને દશેરા ટેકરીને જાણે અજગર ભરડો લઇને પારસી હોસ્પિટલને જયશંકર પાર્ટી પ્લોટના વિસ્તારો પણ ટ્રાફિક જામના અજગર ભરડામાં કણસી ઉઠયા હતા. પ્રજામાંથી ભારે બુમાબુમ થતા અને આવા અવળા પ્રતિઘાતો ઉઠતા કલેકટર, ડી.ઍસ.પી અને મ્યુનિસિપલ કમિશ્નર સફાળા ચોંકી ઉઠયા હતા.

ઘોર નિદ્રાંમાં પડેલા સમગ્ર નવસારી જિલ્લાને હંફાવતા અને ઉપેક્ષા કરતા ટ્રાફિક વિભાગ અચાનક ચોંકી ઉઠયો હતો. અને ગણતરીના દિવસોમાં જ લુન્સીકુઇ થી સરકીટ હાઉસ રેલીંગ વિગેરેની નોબત આવી હતી. આ ટ્રાફિક તંત્ર નવસારી, ગણદેવી, બીલીમોરા, ચીખલી, વાંસદા બધે જ નવસારીની જિલ્લાની પ્રજાને ઠેબે ચઢાવતું હોય તેવી તીવ્ર લોકટીકા છે. ટ્રાફિક પી.એસ.આઇ કોણ છે તેની ખબર નવસારી લાખ્ખોની જનતાને પણ નથી. ટ્રાફિક વિભાગ ચાલતો છે કે નહી એ અંદરો અંદર બીજા ખાતાને પણ ખબર નથી.
https://youtu.be/Q4_d9Pwes1o?si=55Mvuxbgc6PnHSmn
નવસારીના એક જમાનામાં નવસારી ટાઉનના એક પી.એસ.આઇ ટ્રાફિક વિભાગ સંભાળતા, નવસારીનો એક જ જમાદાર ટાવર પાસે ઉભો રહીને ભાસ્કર પોલીસવાળો કરડી મૂછ સાથે એકલપંડે એકલે હાથે આખો ટ્રાફિક ચલાવતો ભૂતપૂર્વ પી.એસ.આઇ વાઘેલા ડેપો પર નીકળે એટલે નવસારી રેલવે સ્ટેશન પરની રીક્ષાઓ લાઇનબંધ ગોઠવાઇ જતી હતી.

હું આજે ગૌતમ મહેતા નવસારીની પ્રજાને નમસ્તે નવસારી કહી પૂછુ છુ કે નવસારીમાં રીક્ષામાં બેસાડવા માટે કયો રીક્ષાવાળો બરાબર ડાબી સાઇડે પાર્કિંગ કરી પેસેન્જર બેસાડે છે. ઍટલું જ નહિ ડી.એસ.પીની બારીમાંથી નવસારી ડેપો દેખાય છે ડેપો પર આડેધડ બેઠેલા ટોપલા ને લારીવાળાઓ અને રીક્ષાવાળાઓ શિસ્તમાં છે ખરા ? ટ્રાફિક પી.એસ.આઇ કોઇ દિવસ એમને શિસ્તમાં રાખવા પોતાના ટ્રાફિક પોલીસોને લઇને ગયા છે ખરા? ટ્રાફિક પીએસ.આઇ ટ્રાફિક ભવન મોટાબજારમાં હોવા છતાં પોલીસ સ્ટેશનથી ખત્રીવાડ, કંસારાવાડ અને પોલીસ સ્ટેશનથી ટાટા સ્કૂલ સુધી રાઉન્ડ મારતા દેખાયા છે ખરા? રેલવે સ્ટેશન પર ચિક્કાર ગીર્દી થાય છે પૂર્વ ને પશ્ચિમ નવસારીમાં જિલ્લા ટ્રાફિક પી.એસ.આઇ સ્ટેશન પર દેખાયા છે ખરા? આવી જ સ્થિતિ ગણદેવી,બીલીમોરા, ચીખલી, વાંસદા, ખેરગામ બધે જ છે ને?! ત્યારે આનો ઉપાય શું? ટ્રાફિકના અજગર ભરડામાં સમગ્ર જિલ્લો કણસે છે ત્યારે ૩૩ ટકા જવાબદારી પોલીસ તંત્ર,૩૩ ટકા જવાબદારી જે તે જિલ્લા પંચાયત,જે તે તાલુકા પંચાયત અને જે તે નગરપાલિકાઓ અને નવસારી મહાપાલિકાની છે. અને ૩૩ ટકા જવાબદારી નાગરિકોની પોતાની છે કે નડતરરૂપ થાય તેવું વાહન ચલાવવું નહી અને નડતરરૂપ થાય તેવું પાર્કિંગ કરવું નહી. આ ત્રિવેણી જવાબદારી સહિયારી છે ત્યારે ચાલો આપણે ટ્રાફિક જામમાંથી બહાર તો નીકળીયે સલામતીપૂર્વક ઘરે આવીએ અને જઇઍ તો ખરા ? નાગરિકો તો જવાબદારી નિભાવશે પણ લાલ આંખ કર્યા વિના ટ્રાફિક જામનો પ્રશ્ન ઉકેલાવાનો નથી.
