નવસારી મનપામાં વિકાસ કાર્યો ગતિશીલ બન્યું : કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલના હસ્તે ૩૨ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરાયા
- Local News
- April 20, 2025
- No Comment
નવસારી શહેરના સર્વાંગી વિકાસ માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ પગલાં ભરવામાં આવી રહ્યા છે. ટાટા હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે કુલ રૂ.૩૨ કરોડથી વધુના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આજરોજ શહેરમાં વધુ વિકાસશીલ બને તે માટે રૂ. ૧૪.૯૪ કરોડના પૂર્ણ થયેલા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને રૂ. ૧૭.૫૨ કરોડના નવા પ્રોજેક્ટ્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. ઉપરાંત, ૧.૫૦ કરોડના રેઈન વોટર હાર્વેસ્ટિંગ પ્રોજેક્ટનું પણ ભૂમિપૂજન કરાયું હતું, જે શહેરના જળસંચય ઉદ્દેશો માટે મહત્વપૂર્ણ ગણી શકાય.આ પ્રસંગે મહાનગરપાલિકાની નવી વેબસાઇટનું લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું. નવસારી, નવી બનેલી ૯ મહાનગરપાલિકાઓ માંથી પ્રથમ શહેર છે, જેણે પોતાની સત્તાવાર વેબસાઇટ વિકસાવી છે.

કેન્દ્રીય મંત્રીના હસ્તે નવનિર્મિત બગીચો, કન્યા શાળા નંબર ૧, સફાઈ સાધનો અને અન્ય સુવિધાઓનું લોકાર્પણ કરાયું હતું. ‘સ્વચ્છ નવસારી મહાનગર’ અભિયાન અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવા માટે નવા વાહનોને લીલી ઝંડી આપી ઉજવણી કરવામાં આવી. સાથે જ, મહાનગરપાલિકા સફાઈ કર્મચારીઓનો સન્માન કરીને તેમનું ઉત્સાહવર્ધન પણ કરાયું હતું
સી.આર.પાટીલે ઉલ્લેખ કર્યો કે, એક સમયે ગંદકી માટે ઓળખાતી નવસારીમાં આજે સુચિત વિકાસ અને સ્વચ્છતાની દિશામાં નોંધપાત્ર સુધારાઓ થયા છે. તેમણે જણાવ્યુ કે 370થી વધુ ગામોમાં કચરાની વ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે અને 129 વાહનો સરપંચોને અર્પણ કરાયા છે. દાંડીના વિકાસ માટે રૂ. 150 કરોડ ફાળવવામાં આવ્યા છે અને ભવિષ્યમાં ચાર લેનનો માર્ગ પણ બનાવાશે..
જળસંચયની મહત્વતાને હાઇલાઇટ કરતા પાટીલએ જણાવ્યુ કે, માત્ર એક 4×4 મીટરના ખાડામાં 9 લાખ લિટર પાણી સંગ્રહ થઈ શકે છે. વર્ષ 2019 પછી થી નવસારીમાં કુલ 12 લાખ જળસંચય સમર્થિત સ્ટ્રક્ચર્સ બનાવવામાં આવ્યા છે. ‘હર ઘર નળ સે જળ’ યોજના હેઠળ અત્યાર સુધી 12 લાખ લોકો જોડાઈ ચૂક્યા છે.
કાર્યક્રમના આરંભમાં નપા કમિશ્નર દેવ ચૌધરીએ મહેમાનોનું સ્વાગત કરતા સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા સંગઠન પ્રમુખ ભુરાભાઈ શાહ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા, પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ સહિત અનેક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.