ભારતમાં જનજીવન પૂર્વવત થતા ગુજરાત રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય:હવે તમામ કર્મચારીઓ-અધિકારીઓ રજા લઈ શકશે,અનિવાર્ય સંજોગોમાં ફરજ પર હાજર રહેવું ફરજિયાત
- Local News
- May 13, 2025
- No Comment
ભારત-પાકિસ્તાન વચ્ચે સર્જાયેલી યુદ્ધની સ્થિતિને કારણે રાજ્ય સરકારે સાવચેતીના પગલાં રૂપે તમામ શાખાઓના કર્મચારી અને અધિકારીઓની રજાઓ રદ કરી દીધી હતી. રાજ્ય સરકારના આ નિર્ણયથી બોર્ડ-નિગમો, કોર્પોરેશનો તથા પંચાયત સહિતના વિવિધ વિભાગોના કર્મચારીઓને ફરજ પર હાજર રહેવું ફરજિયાત બનાવાયું હતું.

10 મેએ બંને દેશો વચ્ચે સીઝફાયર જાહેર થતાં પરિસ્થિતિ સામાન્ય બનતી જણાય રહી છે. જેના પગલે રાજ્ય સરકારે ફરી એકવાર કર્મચારીઓ-અધિકારીઓને રજા મંજૂર કરવાનો નિર્ણય કર્યો છે.
હાલ સરકાર દ્વારા જણાવવામાં આવ્યું છે કે અનિવાર્ય સંજોગોમાં આ કર્મચારીઓને તાત્કાલિક ફરજ પર હાજર રહેવું પડશે. ઉપરાંત રજાની સમયગાળામાં કર્મચારી તથા અધિકારીઓએ ફોન અને ઇમેલ મારફતે સતત ઉપલબ્ધ રહેવું અનિવાર્ય રહેશે.ઉલ્લેખનીય છે કે રાજ્યસેવા, પંચાયત સેવા સહિત કુલ મળીને અંદાજે 4.78 લાખ કર્મચારીઓ રાજ્ય સરકારે નિયુક્ત કર્યા છે.