બીલીમોરામાં વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે પ્લાસ્ટિક પ્રદૂષણ વિરુદ્ધ જાગૃતિ રેલી: “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” અભિયાન અંતર્ગત વોકાથોન, સાયકલાથોન અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું
- Local News
- May 30, 2025
- No Comment
નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે “વિશ્વભરમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવો” અભિયાન અંતર્ગત વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, કોલેજ બીલીમોરા ખાતે જાગૃતિ રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગરના આયોજન અને જિલ્લા વહીવટી તંત્ર નવસારીના માર્ગદર્શન હેઠળ, જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, નવસારી સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત તથા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કચેરી નવસારીના સંયુક્ત ઉપક્રમે બીલીમોરા વિભાગ કેળવણી મંડળના સહયોગથી યોજાયો હતો.
વી.એસ. પટેલ કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સ, બીલીમોરા ખાતે આ કાર્યક્રમના ભાગરૂપે વોકાથોન, સાયકલાથોન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજ કેમ્પસમાંથી રેલીનો પ્રારંભ થયો હતો જેમાં પર્યાવરણ આધારિત વેશભૂષા અને ટેબલો પ્રદર્શન પણ સમાવિષ્ટ હતા. રેલી રાજભોગ સર્કલ, બીલીમોરા સુધી ચાલી અને ત્યારબાદ પુનઃ કોલેજ કેમ્પસમાં સમાપન થયું હતું.

આ કાર્યક્રમે પર્યાવરણ જાગૃતિના પ્રયાસોને બળ પૂરું પાડ્યું હતું સાથે વિશ્વ પર્યાવરણ દિનને હેતુભૂત બનાવતો આ કાર્યક્રમ યુવાનોમાં પર્યાવરણપ્રતિ હકારાત્મક દૃષ્ટિકોણ વિકસાવવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ વિશે જાગૃતિ ફેલાવવાના ઉમદા હેતુ સાથે સફળતાપૂર્વક પાર પાડી શકાયો હતો.
કાર્યક્રમનું સંચાલન અને આયોજન નવસારી જિલ્લા રમત અધિકારી અલ્પેશભાઈ પટેલ, ડી.વાય.ડી.ઓ. શ્રીમતી અંજુબેન પરમાર તથા મેજર ડો. ભાવેશ દેવતાએ કુશળતાપૂર્વક સંભાળ્યું હતું.

આ પ્રસંગે ગણદેવી તાલુકાના મામલતદાર બીલીમોરા વિભાગ કેળવણી મંડળના ચેરમેન ભરતભાઈ અમીન, આસિસ્ટન્ટ ટી.ડી.ઓ. મનીષભાઈ પટેલ, સબ લેફ્ટનન્ટ નેવી ડો. સોનલ વસાવા, શ્રીમતી મનીષા દેવતા તેમજ બીલીમોરા પોલીસ સ્ટેશન અને નગરપાલિકાના પ્રતિનિધિઓની ઉપસ્થિતિ રહ્યા હતા.