નિરાલી હોસ્પિટલમાં “કેનવિન” કાર્યક્રમની સફળ ઉજવણી કેન્સર પ્રત્યે જાગૃતિ અને માનસિક સશક્તિકરણ માટે યોજાયો કાર્યક્રમ
- Local News
- June 29, 2025
- No Comment
નવસારીના નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત નિરાલી હોસ્પિટલમાં, અપોલો હોસ્પિટલ્સના સહયોગથી ૨૫મી જૂન, ૨૦૨૫ના રોજ “કેનવિન” કાર્યક્રમ ઉત્સાહભેર અને સફળતાપૂર્વક યોજાયો હતો.“ચાલો સાથે મળીને લડીયે” એમ સકારાત્મક મંત્ર સાથે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ કેન્સર વિષે જાગૃતિ ફેલાવવાનો તથા દર્દીઓને માનસિક રીતે સશક્ત બનાવવાનો હતો.

નિરાલી હોસ્પિટલના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં કેન્સરને હરાવી ચૂકેલા દર્દીઓએ પોતાના જીવનના સંઘર્ષમય અનુભવો વહેંચ્યા હતા. તેમણે સારવાર દરમિયાન હોસ્પિટલ દ્વારા મળેલી માનસિક અને માનવીય સહાય વિશે પણ દિલથી વાત કરી. બીજી તરફ, નિષ્ણાત તબીબોએ કેન્સર રોગના પ્રારંભિક લક્ષણો, નિદાન અને આધુનિક સારવાર પદ્ધતિઓ અંગે માર્ગદર્શક માહિતી આપી હતી.
હોસ્પિટલના પરિવારજન સમાન વર્તન વિશે દર્દીઓ અને તેમના સગાઓએ હોસ્પિટલ આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં નિરાલી હોસ્પિટલની સી.ઈ.ઓ ડો. રેશ્મા બુરાલે, કેન્સર નિષ્ણાતો, તબીબી સ્ટાફ તેમજ અનેક દર્દી પરિવારોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ અંતે ઉપસ્થિત મહેમાનો તથા સમાજજનોએ કાર્યક્રમની સુસંગતતા અને હોસ્પિટલની માનવતાવાદી દૃષ્ટિની પ્રશંસા કરી હતી.

