નવસારીના બીલીમોરામાં સરકારી બસનો અકસ્માત: 40 મુસાફરોના આબાદ બચાવથી મોટી દુર્ઘટના ટળી: જુઓ વિડિઓ
- Local News
- July 2, 2025
- No Comment
નવસારી જિલ્લાના બીલીમોરા શહેરમાં સરકારી બસને અકસ્માત નડ્યો હતો.બસ ડ્રાઈવરે સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવતા બસ દિવાલ સાથે અથડાઈ.
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક ગંભીર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ,બીલીમોરા થી નવસારી આવી રહેલી એક સરકારી બસ રસ્તામાં અકસ્માતનો શિકાર બની હતી.
https://youtu.be/WjS6yEEeAC4?si=6r5-5mZLo8b13hAV
પ્રારંભિક માહિતી મુજબ, બસનો ડ્રાઈવર ઝડપથી બસ ચલાવી રહ્યો હતો, ત્યારે રસ્તામાં અચાનક એક રિક્ષો સામે આવી ગઈ હતી. ટક્કર ટાળવાનો પ્રયાસ કરતાં બસ રિક્ષા સાથે અથડાઈ હતી. આ અચાનક અથડામણથી ડ્રાઈવર ઘબરાઈ ગયો અને બસને સાઈડમાં પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે દરમિયાન સ્ટેરીંગ પરથી તેનું કાબૂ છૂટી જતા બસ સીધી એક નજીકની બિલ્ડિંગની દિવાલ સાથે ધડાકાભેર અથડાઈ હતી.
અકસ્માત એટલો ગંભીર હતો કે આસપાસના લોકોમાં હાહાકાર મચી ગયો હતો. જો કે, સદનસીબે બસમાં સવાર તમામ 40 મુસાફરોને કોઈ ગંભીર ઈજાઓ થવા પામી નથી અને તેમનો આબાદ બચાવ થયો છે.બસ એકસીડન્ટમાં પાર્ક કરેલી બે અન્ય ખાનગી વાહનોને પણ નુકસાન પહોંચ્યું છે.
ઘટનાની જાણ થતાં જ બીલીમોરા પોલીસ તુરંત ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.પોલીસ દ્વારા ડ્રાઈવરને પૂછપરછ માટે કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને તેને વધુ પૂછપરછ માટે બીલીમોરા પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો છે.
પોલીસની પ્રાથમિક તપાસ ચાલી રહી છે અને સી.સી.ટી.વી. ફૂટેજ તેમજ સ્થળ પર હાજર લોકોને પૂછપરછના આધારે ડ્રાઈવરની ભૂલ કે વાહન ખરાબી તે અંગે વિગતો મેળવવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ રોડ પર ભારે ટ્રાફિક અને વધુ ઝડપથી આવતા વાહનોના કારણે આવા અકસ્માતોની શક્યતાઓ વધી રહી છે. લોકોમાં આ ઘટનાને લઇ ચિંતાની લાગણી પ્રસરી છે અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપવી જરૂરી હોવાનું જણાઈ રહ્યું છે.
તમામ મુસાફરો સલામત રહ્યા અને એક મોટી જાનહાનિ ટળી છે. અધિકારીઓએ કહ્યું કે બસ વ્યવસ્થાપન અને ડ્રાઈવરની કામગીરી અંગે સંપૂર્ણ તપાસ કરવામાં આવશે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.