ભારતની આઝાદીના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની નવસારીના બિલિમોરા ખાતે આન, બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી
- Local News
- August 15, 2025
- No Comment
આજરોજ ૧૫મી ઓગસ્ટ ૭૯મા “ સ્વાતંત્ર્ય દિન” ની નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી બિલિમોરાની વી. એસ. પટેલ આર્ટસ એન્ડ સાયન્સ કૉલેજ ખાતે કરવામા આવી હતી. જેમાં ગુજરાત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી કનુભાઈ દેસાઈના વરદ્ હસ્તે ધ્વજ વંદન કરી પરેડને સલામી ઝીલી સ્વાતંત્ર્ય દિનની ઉજવણી આન, બાન શાન સાથે કરવામાં આવી હતી.

આ અવસરે મંત્રી કનુભાઈ દેસાઈએ દેશના ૭૯મા સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે બિલિમોરા ખાતે ઉપસ્થિત જનતાને સ્વાતંત્રતા દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. મંત્રીએ નાગરિકોને રાષ્ટ્ર હિત પ્રથમનો ભાવ હરહંમેશ હૈયે રાખવાનું આહ્વાન કરતો પ્રજાજોગ સંદેશ પાઠવ્યો હતો.
આજે ભારત દેશ વિકાસની હરણફાળ ભરીને વિશ્વની મહાસત્તાઓમાં સ્થાન પામવા માટે સક્ષમ બન્યો છે, તેમ જણાવી મંત્રીએ આઝાદીનું વટવૃક્ષ સિંચનારા દેશના ક્રાંતિવીરો, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને રાષ્ટ્ર પુરુષોના ત્યાગ, તપસ્યા અને બલિદાનને બિરદાવી સ્વતંત્ર ભારત તરીકે વધુને વધુ પ્રગતિ કરતા રહીએ એમ આહવાન કર્યું હતું.

મંત્રીએ આપણા નવસારી જિલ્લામાં પણ આઝાદીની લડત અને સંસ્કૃતિનો ઊંડો ઇતિહાસ છે એમ જણાવી દાંડી ગામ આપણા દેશના સ્વાતંત્ર્ય લડતનું પ્રતીક છે તથા દાંડીકૂચ સત્યાગ્રહે સમગ્ર દેશને સ્વતંત્રતા માટે પ્રેરણા આપી હતી એમ ઉમેર્યું હતું.
તેમણે આ વર્ષે ડૉ.બાબાસાહેબ આંબેડકર રચિત સંવિધાનના ૭૫ વર્ષની ગરિમાપૂર્ણ ઉજવણી તથા શ્રી સરદાર પટેલની તથા ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મજયંતી વર્ષની ઉજવણી સાથે સાથે પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલબિહારી વાજપેયીની ૧૦૦મી જન્મજયંતિ રાષ્ટ્ર પ્રથમના ભાવ સાથે ઉજવી રહ્યા છે એમ જણાવી દેશના વિકાસમાં તેઓનો ફાળો અવિસ્મરણીય છે એમ ઉમેર્યું હતું.

મંત્રીએ નવસારીવાસીઓને મહાનગરપાલિકા તરીકેની ભેટ તથા રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ ૨૦૨૩-૨૪માં સમગ્ર દેશમાં ૪૧મું સ્થાન અને ગુજરાત રાજયમાં ૧૦મો ક્રમાંક હાંસલ કર્યું છે. આ સિદ્ધિ આપણા શહેરના નાગરિકો, અધિકારીગણ અને સફાઈ કર્મચારીઓના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ છે એમ કહી નવસારીવાસીઓ સહિત સમગ્ર તંત્રને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં તેમણે બિલિમોરાને જેટીનું નવીનીકરણ, પીએમ મિત્રા પાર્ક, અને વારી સોલર પ્લાન્ટ નવસારીવાસીઓની રોજગારીમા વધારો કરવાની સાથે આપણા વિસ્તારના વિકાસનુ કારણ બનશે એમ ઉમેર્યું હતું.
વધુમાં ઉમેર્યું કે, ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ બન્યું છે. ક્લાઇમેટ-ચેન્જ વિભાગની સ્થાપના, રીન્યુએબલ એનર્જી, નાણાકિય વ્યવસ્થાપન, કે પછી ‘ઝીરો કાર્બન ૨૦૭૦’ પ્રોજેક્ટ વિવિધ ક્ષેત્રે ગુજરાત પ્રથમ સ્થાને છે. ઉપરાંત, નવસારી જિલ્લામાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ બાબતે ઉત્કૃષ્ટ કામગીરીનો સવિશેષ ઉલ્લેખ કર્યો હતો.

ભારતમાં સહકારી ક્ષેત્રે ક્રાંતિના 75 વર્ષની ઉજવણીને 2025માં આંતરરાષ્ટ્રીય સહકારિતા વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં સહકારી ક્ષેત્રે પાયો નાખનાર એવા ત્રિભુવનદાસ પટેલના નામથી આણંદમાં ‘’ત્રિભુવનદાસ પટેલ સહકાર યુનિવર્સિટી’’ની સ્થાપના કરવામાં આવી છે. આ યુનિવર્સિટીની સ્થાપના એ સહકારી ક્ષેત્રના સશક્તિકરણ માટેની એક પહેલ છે એમ ઉમેર્યું હતું.
આટલુ જ નહિ ગુજરાત આજે દેશ-દુનિયાના સહેલાણીઓને આકર્ષી રહ્યું છે. ગત વર્ષે 18 કરોડથી વધારે પ્રવાસીઓએ ગુજરાતની મુલાકાત લીધી હતી. આજે ભારત ત્રીજી મોટી આર્થિક મહાસત્તા બનવા કમર કસી રહ્યું છે. રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૫ ને ‘શહેરી વિકાસ વર્ષ’ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને તેથી બજેટમાં ૩૦ હજાર કરોડથી વધુની ધનરાશીની ફાળવણી કરી છે. વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં શરુ થયેલા ‘મેક ઇન ઇન્ડિયા’ અભિયાને વૈશ્વિક બજારમાં આગવી ઓળખ ઉભી કરી છે.

મંત્રીએ છેવટે ગુજરાતને અમૃતકાળમાં દેશ અને દુનિયાને વિકાસનું દિશાદર્શન કરાવનારુ મોડેલ સ્ટેટ બને, દેશના વિકાસમાં કે રાષ્ટ્ર-પ્રથમના ભાવ સાથે ગુજરાત રાજ્ય એ વિકાસના દરેક ક્ષેત્રમાં અવ્વલ બને તે માટે સક્રિય યોગદાન આપવા સૌને અપીલ કરી હતી. તેમણે વિકસિત ભારત@૨૦૪૭ માટે વિકસિત ગુજરાતના નિર્માણમાં સમર્પિત થવા આહવાન કર્યું હતું.
આ અવસરે, પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રભક્તિની સુરાવલીઓ વચ્ચે મંત્રી કનુભાઇ દેસાઇએ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા પોલીસવડા સુશિલ અગ્રવાલની ઉપસ્થિતિમાં પરેડનું નિરિક્ષણ કર્યું હતું.
આ શુભ અવસરે, નવસારી જિલ્લામાં વર્ષ દરમિયાન પ્રશંસનિય અને મહત્વપૂર્ણ કામગીરી કરનાર કર્મચારીઓ અને અધિકારીઓ તથા નાગરિકોનું મંત્રી અને મહાનુભાવોના હસ્તે પ્રશસ્તિ પ્રમાણપત્ર એનાયત કરી સન્માન કરવામાં આવ્યું હતું.

મંત્રીએ જિલ્લા કલેક્ટરને જિલ્લાના વિકાસ માટે રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કર્યો હતો. કાર્યક્રમ બાદ મંત્રીએ મહાનુભાવો અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં કોલેજના મેદાન ખાતે ગ્રીન ગુજરાતની ભાવનાને ઉજાગર કરતા વૃક્ષારોપણ કર્યું હતું.શાળાના બાળકોએ રંગારંગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અંતર્ગત ગરબા, ગીત, નાટિકામંચન અને યોગ કરતબનું નિદર્શન અને પ્રસ્તુતિ રજૂ કરી હતી.
સ્વાતંત્ર્ય પર્વના આ અવસરે જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા સહિતના મહાનુભાવો, પદાધિકારીઓ-અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.