વન્યજીવ રક્ષાના વિરલ વીરોને રાજ્યનું નમન:’વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ નવસારી’ સહીત ૨૫ જેટલી સંસ્થાઓને સન્માનિત કરાયા
- Local News
- August 18, 2025
- No Comment
વન્યજીવ બચાવ માટે જીવન અર્પનાર નવસારીના ચિંતન મહેતાને આઝાદીના પર્વે માન અપાયું
ગુજરાત રાજ્ય વન વિભાગ દ્વારા આઝાદીના ૭૯ માં વર્ષની ઉજવણી નિમિત્તે આરણ્ય ભવન, ગાંધીનગર ખાતે રાજ્યવ્યાપી વન્યજીવ સંરક્ષણ કાર્યકરો તથા સંસ્થાઓ માટે સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યભરના વિવિધ જિલ્લાઓમાંથી પસંદ કરાયેલ કુલ ૨૫ સંસ્થાઓને તેમના નોંધપાત્ર યોગદાન બદલ આમંત્રિત કરીને સન્માનિત કરવામાં આવ્યા.
આ કાર્યક્રમમાં પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ (PCCF) ડો. એ.પી. સિંહે ખાસ હાજરી આપી હતી અને વન્યજીવ બચાવ તેમજ સંવર્ધન ક્ષેત્રે કામગીરી કરનાર સંસ્થાઓના મહત્વપૂર્ણ યોગદાનની પ્રશંસા કરી.
નવસારીમાં કાર્યરત ‘વાઈલ્ડલાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ’ના ટ્રસ્ટી ચિંતન મહેતા દ્વારા વન્યજીવોના બચાવ અને સંરક્ષણ માટે દાયકાથી પણ વધુ સમયથી કરવામાં આવેલી નિષ્ઠાપૂર્વકની સેવા અને જાગૃતિ કાર્યક્રમોને માન્યતા આપતા તેમને ખાસ પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યું હતું .
આ સન્માનથી ટ્રસ્ટના તમામ સભ્યો, બચાવ કાર્યકરો અને વન્યપ્રેમી સ્વયંસેવકોમાં નવી ઊર્જાનો સંચાર થયો છે. કાર્યક્રમ દરમિયાન વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત વન્યજીવ ક્ષેત્રે કાર્યરત વિવિધ વિભાગો, NGO પ્રતિનિધિઓ અને સામાજિક કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ સમારોહ ગુજરાત રાજ્યની વન્યજીવો પ્રત્યેની પ્રતિબદ્ધતા તથા જનસહભાગી પ્રયત્નોની દૃઢતા દર્શાવે છે.