નવસારીમાં શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ મહોત્સવ ૨૦૨૫ પ્રતિયોગિતા: પરંપરા,પર્યાવરણ અને સામાજિક સંદેશનો અનોખો મેળાપ
- Local News
- August 21, 2025
- No Comment
પંડાલ શણગાર,સામાજીક સંદેશ,ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા,દેશભક્તિની ઝાંખી,સ્વદેશી પ્રેરણા,વિગેરે મુદ્દાઓનો ખાસ ધ્યાનમાં લેવાશે
સાંસ્કૃતિક વારસાનું જતન થાય અને પરંપરાગત લોકસંસ્કૃતિનો કલા વારસો લોકો સુધી પહોંચે તે હેતુસર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે અંતર્ગત રાજ્ય સરકાર યુવક સેવા અને સાંકૃતિક વિભાગ દ્વારા શ્રેષ્ઠ ગણેશ પંડાલ પ્રતિયોગિતા ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્યું છે.
આ કાર્યક્રમની વિસ્તૃત માહિતી આપતા નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નવસારી જિલ્લા મથક ખાતે યોજાનાર ગણપતિ મહોત્સવ દરમ્યાન શહેરનાં વિવિધ ગણેશ પંડાલમાંથી “બેસ્ટ ઓફ” પસંદગી કરવામાં આવશે. આ પ્રક્રિયા સ્થાનિક કક્ષાની અમલિકરણ સમિતિ દ્વારા રીતે હાથ ધરાશે.
શ્રેષ્ઠ ગણેશ પંડાલ મહોત્સવ–૨૦૨૫ના માપદંડમાં મુખ્યત્વે પંડાલ શણગાર, સામાજીક સંદેશ, ઈકો-ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા, દેશભક્તિની ઝાંખી, સ્વદેશી પ્રેરણા,પંડાલની સ્થળ પસંદગી વિગેરે મુદ્દાઓનો ખાસ ધ્યાનમાં લેવામાં આવશે.
આ ઉપરાંત વિજેતા ગણેશ પંડાલોને રોકડ પુરસ્કાર તથા સન્માન આપવામાં આવશે.જેમાં પ્રથમ ક્રમાંકે ૫ લાખ, દ્વિતીય ક્રમાંકે ૩ લાખ તથા તૃતિય ક્રમાંકે ૧.૫૦ લાખ પુરસ્કાર રકમ મળશે.
વધુમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા પણ ઈકો ફ્રેન્ડલી પ્રતિયોગિતામાં પ્રથમ ક્રમાંકે ૫૦ હજાર, દ્વિતીય ક્રમાંકે ૨૫ હજાર તથા તૃતિય ક્રમાંકે ૧૫ હજાર પુરસ્કાર રકમ ગણેશ પંડાલને મળશે.
આ પ્રસંગે નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેએ જણાવ્યું હતું કે, વધુમાં વધુ ગણેશ મંડળો આ પ્રતિયોગિતા માં જોડાઈને પરંપરા સાથે પર્યાવરણ જાળવણી તથા સામાજિક સંદેશના પ્રચાર-પ્રસાર માટે સહભાગી બને તે જરૂરી છે.
આ મીડિયા કોન્ફરન્સમાં નવસારી મહાનગરપાલિકાના કમિશનર દેવ ચૌધરી,જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તથા જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા તથા જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.