
સુરત શહેર બીજીવાર એક છત નીચે તા.૨ થી ૮ એપ્રિલ દરમિયાન આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન મેળો: ડાંગ,વલસાડ જિલ્લાના પરંપરાગત વૈદુભગતો ઘુટણના દુ:ખાવા, ચામડીના,પેરાલિસીસ જેવા જટિલ રોગોની સારવાર કરશે
- Local News
- March 20, 2023
- No Comment
આજના ફાસ્ટફૂડના જમાનામાં અનેક રોગોના ભોગ બની, એલોપથી દવાઓ ખાઈને કંટાળેલા લોકો હવે ઓર્ગેનિક ફૂડ કલ્ચર તરફ વળી રહ્યા છે, ત્યારે સુરતના આંગણે આયુર્વેદિક અને વાનસ્પતિક ઔષધના ચાહક નાગરિકોને ડાંગ અને વલસાડના વૈદુભગતોની આરોગ્યલક્ષી સેવાઓનો લાભ મળશે. શહેરના આંગણે તા.૨ થી ૮ એપ્રિલ દરમિયાન અઠવાલાઈન્સ ઉમરા પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા એસ.એમ.સી.ના પાર્ટી પ્લોટ ખાતે શ્રી પછાત મહિલા વિકાસ મંડળ-ભાવનગરના ઉપક્રમે આદિવાસી પરંપરાગત વૈદુભગતોના વૈદુ તથા ઔષધિય વનસ્પતિ પ્રદર્શન મેળો યોજાશે.
સાત દિવસ સુધી ચાલનારા આ મેળામાં ૧૦૦૦થી વધુ વનસ્પતિઓના ઔષધીય ગુણોના પારખું એવા ડાંગ-આહવા અને વલસાડ જિલ્લાના નિષ્ણાંત વૈદ્યોના અનુભવનો લાભ મળશે. લોકો અનેક પ્રકારની બિમારીઓનો વાજબી દરે ઈલાજ કરાવી શકશે. સાથે જ સુરતવાસીઓને સેંકડો પ્રકારની ઔષધીય અને ઓર્ગેનિક ધાન્યપાકો, વનસ્પતિઓનું રસપ્રદ પ્રદર્શન નિહાળવાની તક મળશે.
શ્રી પછાત મહિલા વિકાસ મંડળ,ભાવનગરના પ્રમુખ ડો.જયશ્રી બાબરીયાએ વિગતો આપતા જણાવ્યું કે, સુરતમાં બીજી વાર આદિવાસી પરંપરાગત વૈદુભગતો દ્વારા વૈદુ તથા ઔષધીય વનસ્પતિ પ્રદર્શન મેળો યોજાશે. વૈદુભગતો દ્વારા ડાયાબિટીસ, વા, સાંધાના દુઃખાવા, સ્નાયુ, દમ, સ્થૂળતા, આધાશીશી, કિડની, પાચનતંત્ર, ચામડી, પાર્કિન્સન, વંધ્યત્વ, અસ્થમા સહિતના નાના મોટા તમામ રોગોની સારવાર અને ઔષધિઓ એક છત્ર હેઠળ વાજબી દરે ઉપલબ્ધ થશે. અહીં ઔષધિય વનસ્પતિનું વેચાણ, ક્લિનિકલ મસાજ-સ્ટીમ બાથ સાથે ઓર્ગેનિક ફુડ ખાદ્ય સામગ્રીનું પણ વેચાણ કરવામાં આવશે.
આદિવાસી મહિલાઓના સખી મંડળ સંચાલિત ‘નાહરી કેન્દ્ર’ દ્વારા નાગલી બનાવટોના બિસ્કીટ, પાપડ, અડદ તથા મકાઈના ઢોકળા, વડા, રાગીનો શિરો, ઔષધીય ચા, ગ્રીન ટી, વાંસનું શક-અથાણું, ભુરજી, અડદ/તુવેરની દાળ વગેરેના ફૂડ સ્ટોલ ઉભા કરાશે, જેમાં આ વાનગીઓનો સ્વાદ માણવા મળશે, ત્યારે આદિજાતિ બહેનોના હાથે બનેલા ઓર્ગેનિક ધાન્યોના સ્વાદિષ્ટ વ્યંજનોનો લાભ લેવાની સુરતવાસીઓ માટે તક છે.
ખાસ કરીને અહીંની તમામ ખાદ્યપદાર્થો, વાનગીઓ માટીની કુલડીમાં પીરસવામાં આવશે. સાથે પિઠોરા પેઈન્ટીંગનું પ્રદર્શન અને આદિવાસી નૃત્ય મંડળીઓના નૃત્યો અને કલાને માણવાનો મોકો સુરતીઓને મળશે એમ જયશ્રીબેન જણાવ્યું હતું.
૧૦૦૦થી વધુ વનસ્પતિઓના ઔષધિય ગુણોના પારખું નિષ્ણાંત વૈદોના અનુભવોનો સાત દિવસ માટે લાભ મળશે