પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજીંદા જીવનમાં અપનાવી, પર્યાવરણ રક્ષા સાથે સંતુલિત વિકાસ કરીએ:મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ ઉજવણી કરાઈ 

પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજીંદા જીવનમાં અપનાવી, પર્યાવરણ રક્ષા સાથે સંતુલિત વિકાસ કરીએ:મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ ઉજવણી કરાઈ 

જંગલો વિના માત્ર માનવ જીવન જ નહીં પરંતુ પ્રાણીઓ અને પક્ષીઓના જીવનની પણ કલ્પના કરી શકાતી નથી, તેથી જંગલોનું સંરક્ષણ ખૂબ જ જરૂરી છે. તેથી જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે 21 માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જંગલોના આડેધડ કાપને કારણે હવે જંગલોના ઘરો અને તેમાં રહેતા પ્રાણીઓ સંકોચાઈ રહ્યા છે.

જંગલોની જાળવણી માટે, વર્ષ 1971 માં, યુરોપિયન કૃષિ સંગઠનની 23મી સામાન્ય સભામાં, દર વર્ષે 21 માર્ચને વિશ્વ વન દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ પાછળથી યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશને પણ જંગલોના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા માટે ત્યારથી 21 માર્ચે આજના દિવસે એટલે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’  ઉજવણી કરાઈ રહી છે.

 

આજરોજ ગાંધીનગર ના મહાત્મા મંદિર ખાતે ગુજરાત ભરમાંથી ખેડૂતો,વેપારીઓ તેમજ વન વિભાગ ઉચ્ચ અધિકારીઓ સહિત રાજ્ય ના મુખ્યમંત્રી, વન મંત્રી સહિત વિવિધ એન.જી.ઓ લોકોની હાજરીમાં આંતરરાષ્ટ્રીય વન દિવસ ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેમના વક્તવ્યમાં જણાવ્યું હતું કે પર્યાવરણ પ્રિય લાઇફ સ્ટાઇલ રોજિંદા જીવનમાં અપનાવીને હરેક ક્ષેત્રે પર્યાવરણના વિચાર સાથે સંતુલિત વિકાસનું આહવાન કર્યુ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ મિશન લાઇફની જે સંકલ્પના આપી છે તેને ઊર્જા, પાણી, વગેરેના વિવેકપૂર્ણ ઉપયોગ, પ્લાસ્ટિકના ઓછામાં ઓછા ઉપયોગ અને પ્રકૃતિ જતનને જીવનશૈલી બનાવી સૌ સાકાર કરીએ. મુખ્યમંત્રી ર૧મી માર્ચ, આંતરરાષ્ટ્રીય વન દિવસના ઉપલક્ષ્યમાં મહાત્મા મંદિર ખાતે વન વિભાગ આયોજિત એગ્રો ફોરેસ્ટ્રી આધારિત FPO ના વર્કશોપનો પ્રારંભ કરાવ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશભરમાં ૧૦ હજાર એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ‘ખેડૂત ઉત્પાદક સંઘ – FPO’ સ્થાપવાના આપેલા લક્ષ્યાંકને સાકાર કરવાના હેતુથી આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વન અને પર્યાવરણ મંત્રી મૂળુભાઈ બેરા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ પણ આ વર્કશોપમાં સહભાગી થયા હતા.

આ વર્ષના આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણીની થીમ ‘‘ફોરેસ્ટ એન્ડ હેલ્થ’’ રાખવામાં આવી છે તે સંદર્ભમાં મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, જંગલો ઓછા થવાથી પૃથ્વી પરનું સમગ્ર ઋતુચક્ર બદલાઇ ગયું છે. કમોસમી વરસાદ, અતિશય ગરમીનું ઊંચું તાપમાન, ગ્લોબલ વોર્મિંગ અને કલાયમેટ ચેન્જ ની માનવજીવનના સ્વાસ્થ્ય-તંદુરસ્તી પર અસર પડે છે.

તેમણે ઉમેર્યુ કે, કલાયમેટ ચેન્જની આ સમસ્યા સામે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આગવા વિઝનથી ગુજરાતમાં દેશભરમાં સૌથી પહેલાં કલાયમેટ ચેન્જ વિભાગ શરૂ કરેલો છે. એટલું જ નહિ, તેમણે પર્યાવરણ પ્રિય, સસ્ટેઇનેબલ ડેવલપમેન્ટ માટે ગ્રીન ગ્રોથની હિમાયત પણ આ વર્ષના કેન્દ્રીય બજેટમાં કરી છે.

મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાનના આ વિચારને પગલે ગુજરાતમાં પણ આ વર્ષે બજેટમાં ગ્રીન ગ્રોથ માટે આવનારા પાંચ વર્ષ માટે બે લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાનું આયોજન કર્યુ છે.રાજ્યના શહેરી વિસ્તારોમાં ર૦ જેટલા અર્બન ફોરેસ્ટ તૈયાર કરવા સાથે એગ્રો ફોરેસ્ટ્રીનો વ્યાપ વિસ્તારી આવનારા વર્ષોમાં પ૭પ૦ ચોરસ કિલોમીટર વિસ્તારને તેમાં આવરી લેવાની નેમ છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જળ, જમીન અને જંગલનો સમન્વય કરીને કૃષિ વનીકરણ એગ્રો ફોરેસ્ટ્રી કરતા ખેડૂતો, ધરતીપુત્રોને અદ્યતન માર્ગદર્શન આપવા આંતરરાષ્ટ્રીય વન દિવસે આવી કાર્યશાળાના આયોજનને બિરાદાવ્યું હતું. રાજ્ય સરકાર એગ્રો ફોરેસ્ટ્રી સાથે જોડાયેલા ખેડૂતોની પડખે ઊભી રહેશે તેવી નેમ પણ દર્શાવી હતી.

તેમણે ‘વસુધૈવ કુટુંબકમ’ સમગ્ર વિશ્વ એક પરિવાર એવી ભાવના સાથે વડાપ્રધાનના વિઝનરી લીડરશીપમાં ભારતના યજમાન પદે યોજાઇ રહેલી G-20 માં ક્લાયમેટ ચેન્જ સંબંધિત વર્કીંગ ગૃપની બેઠક ગુજરાતમાં યોજાવાની છે તેની પણ રૂપરેખા આપી હતી.

મુખ્યમંત્રીએ દેશના આ અમૃતકાળને પર્યાવરણ પ્રિય વિકાસથી અને ગ્રીન ગ્રોથથી અમૃતમય બનાવવા સૌના સામુહિક પ્રયાસો માટે અનુરોધ કર્યો હતો.

મુખ્યમંત્રીએ આ પ્રસંગે ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતોને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા હતા. જેમાં ખેડા જિલ્લાના આંત્રોલી ગામના ખેડૂત દિનેશભાઈ પટેલ, દેવભૂમિ દ્વારકાના વેરાડ ગામના સગુણાબેન ભાલુડિયા, ભરૂચના ભરથાણ ગામના ગીરીશભાઈ પટેલ, નવસારીના પરૂજન ગામના મહેન્દ્રભાઈ પટેલ તથા ડાંગ જિલ્લાના ભદરપાડા ગામના ગમનભાઈ પટેલને પ્રશસ્તિપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિઝન ‘મિશન લાઈફ અભિયાન’ને વધુ બળ આપવા માટે વન વિભાગ દ્વારા તૈયાર કરાયેલ શોર્ટ ફિલ્મ ‘મિશન લાઈફ’નું મુખ્યમંત્રી દ્વારા અનાવરણ કરવામાં આવ્યું હતું.

 

વન અને પર્યાવરણ વિભાગના અધિક મુખ્ય સચિવ અરુણકુમાર સોલંકીએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું કે, જંગલોનું મહત્વ જણાવવા અને તેના સંરક્ષણ વિશે લોકોને જાગૃત કરવા માટે યુનાઈટેડ નેશન્સ દ્વારા વર્ષ ૧૯૭૧થી ૨૧ માર્ચનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘વિશ્વ વન દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. આ વર્ષે વિશ્વ વન દિવસની થીમ ‘વન અને આરોગ્ય’ નક્કી કરવામાં આવી છે.

ગુજરાતમાં વૃક્ષ આધારિત ખેતી કરતાં ખેડૂતોને આવક બમણી કરવાના અને જન ભાગીદારી થકી પર્યાવરણના જતનના લક્ષ્યાંક સાથે એગ્રો ફોરેસ્ટ્રી આધારિત ખેડૂત ઉત્પાદક સંઘની એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં 78 FPOની રચના દ્વારા અંદાજે 36000 વૃક્ષોનું જતન કરવામાં આવે છે ત્યારે ‘આંતરરાષ્ટ્રીય વન દિવસ’ નિમિત્તે મુખ્યમંત્રીની વિશેષ ઉપસ્થિતિમાં ભરૂચ કિસાન એગ્રો પ્રોડ્યુસર કંપની અને શ્રીજી કોર્પોરેશન વચ્ચે નિલગીરીના રોપા તૈયાર કરવા તેમજ આ ક્ષેત્રે વિવિધ ટેકનોલોજીના વિકાસ માટે MOU થયા હતા.

ભરૂચ સ્થિતિ ખેડૂત ઉત્પાદક સંઘ – FPO સાથે સંકળાયેલા પ્રગતિશીલ ખેડૂતોએ વૃક્ષ આધારિત ખેતી અંગે પોતાના અનુભવો આ પ્રસંગે શેર કર્યા હતા. રાજ્યના વન વિસ્તાર અંગે માહિતી આપતું એક પ્રદર્શન પણ આ અવસરે યોજાયું હતું. જેમાં ઘાસ વીડી સુધારણ અને એકત્રીકરણ, વન્ય પ્રાણી સંરક્ષણ અને વિકાસ, એશિયાઈ સિંહ સંરક્ષણ, ખેડૂતો લક્ષી વાવેતર યોજના, ગુજરાતમાં ખેડૂત ઉત્પાદન સંઘ (FPO)ની સ્થાપના, લાકડા આધારિત ઉદ્યોગો, સાંસ્કૃતિક વનો અને વન મહોત્સવની પહેલ, ચેર સંરક્ષણ અને સંવર્ધન, બન્ની ખાસિયા મેદાનોની સુધારણા, રાજ્યનું વન વૈવિધ્ય, વન વિસ્તાર બહારના વૃક્ષ સંપત્તિનો વિકાસ અને સામાજિક વનીકરણ વિશે મહત્વની વિગતો રજૂ કરવામાં આવી હતી. તેમજ અગ્ર મુખ્ય વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ગુજરાતના રામકુમાર આંતરરાષ્ટ્રીય વન દિવસે પોતાનું વક્તવ્ય આપ્યું હતું.આભાર વિધિ અગ્ર મુખ્ય વન સંરક્ષક  એસ. કે. ચતુર્વેદીએ કરી હતી.

ઉપરોક્તા કાર્યક્રમમાં વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ-પદાધિકારીઓ, ખેડૂત ઉત્પાદક સંઘ સાથે જોડાયેલા વિવિધ એનજીઓના પ્રતિનિધિઓ, ગુજરાતના વિવિધ પ્રદેશમાં વૃક્ષ આધારિત ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂત ભાઈ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Related post

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…
૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ…

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *