
જુનિયર / યુથ રેડક્રોસ કાઉન્સલેર નો સેમીનાર યોજાયો
- Local News
- April 26, 2023
- No Comment
“સ્વ કલ્યાણથી સર્વેનું કલ્યાણની રાહ બતાવતી પ્રવૃત્તિ એટલે જુનિયર રેડક્રોસ”: ડૉ. રાજેશ્રી ટંડેલ જીલ્લા શિક્ષણ અધિકારી, નવસારી
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી નવસારી જીલ્લા શાખાના સાર્થક અસ્તિત્વના ૫૦માં વર્ષ નિમિત્તે રેડક્રોસ અંતર્ગત જુનિયર રેડક્રોસ (શાળા કક્ષાએ) અને યુથ રેડક્રોસ (કોલેજ કક્ષાએ) પ્રવૃત્તિનો વ્યાપ વધે અને વિદ્યાર્થીઓ તથા યુવાનો રેડક્રોસની પ્રવૃત્તિ સાથે જોડાય અને સેવા, સ્વાસ્થ્ય અને મૈત્રી જેવા આદર્શો આત્મસાત કરે તેવા ઉદ્દેશથી શાળા કક્ષાએ જુનિયર રેડક્રોસના કાઉન્સલેર શિક્ષકો તથા કોલેજ કક્ષા એ પ્રોગ્રામ ઓફિસર અધ્યાપકો ના એક સેમીનારનું આયોજન નવસારી જીલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલના અધ્યક્ષ સ્થાને રેડક્રોસ ભવન પર રાખવામાં આવ્યું હતું.
નવસારીના સંગીતજ્ઞ અંકિત ત્રિવેદીની પ્રાર્થના સાથે શરૂ થયેલ. આ કાર્યક્રમમાં રેડક્રોસના ચેરમેન ડૉ. અતુલભાઈ દેસાઈએ રેડક્રોસની પ્રવૃત્તિ, રેડક્રોસની પ્રવૃત્તિના ઉદ્દેશો અને વૈશ્વિક કક્ષાએ રેડક્રોસનું મહત્વ વિષે વાત કરી સૌને આવકાર્યા હતા. યુથ રેડક્રોસના કો. ઓર્ડીનેટર અને વાઈસ ચેરમેન ડૉ. જયંતિભાઈ નાયકે જુનિયર/યુથ રેડક્રોસની પ્રવૃત્તિના લાભો વિષે વાત કરી આવનાર સુવર્ણ જયંતિ વર્ષમાં કરવાની પ્રવૃત્તિના એક્શન પ્લાન સમજાવ્યા હતા.
જુનિયર રેડક્રોસના કો-ઓર્ડીનેટર અને સહમંત્રી ડૉ. ધર્મેશ કાપડિઆએ જણાવ્યું હતું કે જુનિયર રેડક્રોસની પ્રવૃત્તિ એ શાળેય શિક્ષણને જીવનલક્ષી બનાવવામાં ખૂબ જ ઉપયોગી નીવડશે અને એક હોલિસ્ટિક એપ્રોચ વિદ્યાર્થીઓમાં આરોપિત કરી શકાશે અને શ્રેષ્ઠ માનવનું નિર્માણ દ્વારા શિક્ષણના ઉદ્દેશ પરિપૂર્ણ કરી શકાશે.
અધ્યક્ષ સ્થાનેથી બોલતા જીલ્લા શિક્ષણ અધિકારી ડૉ. રાજેશ્રી ટંડેલે કહ્યું હતું કે રેડક્રોસની પ્રવૃત્તિ સાચા અર્થમાં શાળેય શિક્ષણને વધુ અસરકારક બનાવશે, વિદ્યાર્થીઓમાં સેવા, ભાઈચારો, પ્રમાણિકતા, દયા, કરુણા જેવા માનવીય મુલ્યો આરોપિત કરી શકાશે. કાર્યક્રમના અંતે રેડક્રોસના મંત્રી તુષારકાન્ત દેસાઈ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા બદલ તમામનો ઋણ સ્વીકાર કર્યો હતો.
કાર્યક્રમને પોંખવા રેડક્રોસની કમિટીના મેમ્બરો, ટ્રેઝરર દીપકભાઈ પટેલ તથા ૪૦થી વધુ શાળાના આચાર્ય, ૧૦થી વધુ કોલેજોના પ્રાધ્યાપકો, હરીજ્યોત નેત્ર કોલેજના પ્રતિનિધિઓ અને અમલસાડની શાળાના ટ્રસ્ટી દીપકભાઈ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.