નવસારી જિલ્લાના ચીખલી અને ખેરગામ પોલીસ લાઈન ખાતે કુલ રૂ.૧૨.૪૮ કરોડના ખર્ચે નવનિર્મિત ૬૫ પોલીસ આવાસોનું લોકાર્પણ કરતા ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
- Local News
- April 29, 2023
- No Comment
જનતાની સુરક્ષામાં ફરજનિષ્ઠ રહેતા પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનોનું ધ્યાન રાખવા સરકાર કટિબદ્ધ :ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવી
ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિ. દ્વારા કુલ રૂ.૧૨.૪૮ કરોડના ખર્ચે નવસારી જિલ્લાના ચીખલી (થાલા) પોલીસ લાઈન ખાતે કક્ષા-બી નાં ૩૨ તથા ખેરગામ પોલીસ લાઈન ખાતે કક્ષા બી નાં ૩૨ અને કક્ષા સી નાં ૦૧ નવનિર્મિત પોલીસ આવાસોનું ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ અવસરે નવસારીના સાંસદ સી. આર. પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.

આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે ગુજરાત પોલીસ હાઉસિંગ દ્વારા પોલીસ જવાનોના જીવનમાં નવી ઉર્જા આવે તેવા આશયથી આધુનિક સુવિધાયુક્ત આવાસોનું નિર્માણ કર્યું છે. પોલીસ વિભાગની દોડધામભરી કામગીરી બાદ ઘરે આવીને અહીં શાંતિનો અહેસાસ થશે. પોલીસ ક્વાર્ટર્સમાં સ્વચ્છતા અને સુમેળભર્યા માહોલમાં રહી પોલીસકર્મીઓમાં પરસ્પર પરિવાર ભાવના વધશે એવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

આ શુભ અવસરે ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પોલીસના પરિવારોને પોલીસ ક્વાર્ટરને પોતાનું પોતીકું ઘર સમજીને ગૃહ પ્રવેશ કરવાની અપીલ કરી હતી. સાથે, પોલીસ તંત્ર દ્વારા જિલ્લામાં E- FIR હેઠળ શ્રેષ્ઠ કામગીરીની પ્રસંશા કરી હતી .

પોલીસ જવાનોને સુવિધાયુકત રહેણાંક મળી રહે તે માટે આવાસોમાં વુડન કબાટ તથા મોડયુલર કિચન સવલત સાથે લિફ્ટ, જનરેટર, પાર્કિંગ શેડ, ગેસ કનેક્શનની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
આ અવસરે નવસારીના સાંસદ સી. આર. પાટીલ, વલસાડના સાંસદ ડો. કે. સી.પટેલ, નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઈ આહિર,જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, રેન્જ આઈ.જી. પિયુષ પટેલ, નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, નવસારી પોલીસ અધિક્ષક ઋષિકેશ ઉપાધ્યાય, ધારાસભ્યો નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, પોલીસકર્મીઓ અને તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.
