
નવસારી કૃષિ યુનિવર્સિટીના સૌ પ્રથમવાર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી૧૯ વર્ષમાં વિકાસની હરણફાળ ભરી રહેલ કૃષિ યુનિવર્સિટી
- Local News
- May 1, 2023
- No Comment
૧ મે, ૨૦૦૪ ના રોજ એક અલગ યુનિવર્સિટી તરીકે માન્યતા મેળવીને સ્વતંત્ર રાજ્ય કૃષિ યુનિવર્સિટી તરીકે આગળ વધેલ અત્રેની નવસારી કૃષિ યુનિવર્સિટીના ૧૯ મા સ્થાપના દિવસે આજરોજ ૧ મે, ૨૦૨૩ ના રોજ સૌપ્રથમ વાર સ્થાપના દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
“મેન ઓફ ફ્રુટ ફ્લાય” તરીકે જગવિખ્યાત એવા દીર્ઘદ્રષ્ટા કુલપતિ ડો. ઝેડ. પી. પટેલના અધ્યક્ષપદે યોજાયેલ આ સમારોહમાં મુખ્ય મેહમાન તરીકે રાણી લક્ષ્મીબાઈ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી, ઝાંસીના કુલપતિ ડો. એ. કે. સિંઘ, અતિથિવિશેષ તરીકે વૈશ્વિક પ્રતિભા ધરાવતા ડો. એ. કે. જોષી,ગુજરાત નેચરલ ફાર્મીંગ એન્ડ ઓર્ગેનિક યુનિવર્સિટીના કુલપતિ ડો. સી. કે. ટીંબડીયા અને વિવિધ વિદ્યાશાખાના ડીનો, આચાર્યો,સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.
અતિથિવિશેષ ડો. એ. કે. જોષીએ સાંપ્રત સમયમાં કૃષિ અને સંલગ્ન ક્ષેત્રોના પડકારો અને નવીનતમ તકો વિષે તથા મુખ્ય મેહમાન ડો. એ. કે. સિંઘે નવી શિક્ષણ નીતિના સંદર્ભે કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવાની થતી પૂર્વતૈયારી અને વિદ્યાર્થીઓના કૌશલ્યવર્ધન પર વિશેષ ભાર મૂકતા પ્રેરણાદાયી વક્તવ્યો આપ્યા હતા.
ડો. ઝેડ. પી. પટેલે ૧૯૬૫ થી એકમાત્ર કૃષિ કોલેજથી શરૂઆત કરીને અત્યારે દેશની અગ્રીમ પંક્તિની કૃષિ યુનિવર્સિટી બનવાની સફર પોતાના લાક્ષણિક અંદાજમાં વર્ણવી હતી. તેઓએ ખેડૂત મિત્રો અને વિદ્યાર્થીઓ માટે યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. આ સાથે એજ્યુકેશન વર્લ્ડના ઇન્ડિયા હાયર એજ્યુકેશન રેન્કિંગમાં સરકારી એગ્રીકલ્ચરલ યુનિવર્સિટીઓની શ્રેણીમાં ગુજરાતમાં નંબર ૧ અને દેશમાં નંબર ૪ પર આવવા બદલ તેઓએ જણાવ્યું હતું કે એક સક્ષમ અને સમર્પિત ટીમના પ્રયાસો થકી યુનિવર્સિટી આ ઉન્નત સ્તરે પહોંચી શકી છે અને અમે હજુ શ્રેષ્ઠતમ બનવાના પ્રયત્નો ચાલુ રાખીશું.
આ પ્રસંગે યુનિવર્સિટીમાં ૧૦ કે તેથી વધુ વર્ષોની ફરજ બજાવી ચૂકેલ નિવૃત્ત કર્મચારી અને યુનિવર્સિટીના વિશિષ્ટ સિદ્ધિ મેળવેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીને હવેથી દર વર્ષે સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે સન્માનિત કરવાના ૨ વિશિષ્ઠ એવોર્ડ્સની જાહેરાત કરાઈ હતી. જેમાં યુનિવર્સિટીમાં ૩૬ વર્ષની સંનિષ્ઠ સેવા આપીને વયનિવૃત્ત થયેલા સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ રીસર્ચ યુનિટના નિવૃત્ત સંસોધન વૈજ્ઞાનિક ડો. આર. જી. પાટીલને “લાઈફ ટાઇમ એચીવમેન્ટ એવોર્ડ પ્રમાણપત્ર અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ” તથા હાલમાં મીનીસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર્સ વેલ્ફેરમાં હોર્ટીકલ્ચરના એડિશનલ કમિશનર તરીકે પ્રસંશનીય ફરજ બજાવી રહેલ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ડો. નવીનકુમાર પટલેને “એન.એ.યુ. રત્ન એવોર્ડ પ્રમાણપત્ર અને ગોલ્ડ પ્લેટેડ સિલ્વર મેડલ” સન્માનિત કરાયા હતા.
જયારે યુનિવર્સિટીના આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત ટ્રેનર ડૉ. મેહુલ જી. ઠક્કરને સમગ્ર ગુજરાતના સૌપ્રથમ અને એકમાત્ર “ઇન્ટરનેશનલ સર્ટીફાઇડ કેરીયર કોચ ફાઉન્ડેશન લેવલ-૧ અને એડવાન્સ્ડ લેવલ-૨” બનવા બદલ માઈન્ડલર (Mindler), ઇન્ડિયા અને કેરીયર ડેવલપમેન્ટ એલાયન્સ (CDA), યુ.એસ.એ.-અમેરિકા એમ બે વૈશ્વિક ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના સંયુક્ત પ્રમાણપત્રથી સન્માનિત કરાયા હતા.
સ્થાપના દિવસની ઉજવણી સંદર્ભે આયોજીત વિવિધ વિદ્યાર્થીલક્ષી સ્પર્ધાઓ જેવી કે વકતૃત્વ સ્પર્ધા, વાદ-વિવાદ સ્પર્ધા, પોસ્ટર મેકીંગ સ્પર્ધા અને ક્વીઝ કોમ્પિટિશનના વિજેતાઓને પણ પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમના સફળ આયોજન માટે આ કાર્યક્રમના હોસ્ટ એવી રાજ્યની એકમાત્ર કોલેજ ઓફ ફોરેસ્ટ્રીના આચાર્ય અને ડીન ડો. પી. કે. શ્રીવાસ્તવ, સંશોધન નિયામક અને અનુસ્નાતક શાખાના વિદ્યાઅધ્યક્ષ ડો. તીમુર આર. એહલાવત સાહેબ, વિદ્યાર્થી,કલ્યાણ નિયામક ડો. આર. એમ. નાયક સાહેબ,ડો. મેહુલ જી. ઠક્કર તથા અન્ય સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.