
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા મહાવિદ્યાલાયીન વિદ્યાર્થીઓનું વિશાળ પથ સંચલન યોજાયો
- Local News
- May 1, 2023
- No Comment
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નવસારી જિલ્લા દ્વારા ૧૭ થી ૨૫ આયુઘટના મહાવિદ્યાલાયીન તરુણ વિદ્યાર્થીઓનું એક દિવસીય એકત્રીકરણ મદ્રેસા સ્કુલ માં રાખવામાં આવેલ હતું. જેમાં નવસારી અને ડાંગ જીલ્લા માંથી કુલ ૧૮૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ હતો. આ એક દિવસીય એકત્રીકરણમાં વિદ્યાર્થીઓને અનુશાસન, શિસ્ત, સ્વાવલંબન થકી વ્યક્તિનિર્માણ નાં ગુણવિકાસનાં વિવિધ વિષયો પર ચર્ચા ચિંતન કરવામાં આવેલ હતું.
તે ઉપરાંત રાષ્ટ્ર, સમાજ, કુટુંબ અને પરિવાર પ્રત્યે પોતાની ફરજો , સામાજિક સમરસતા તેમજ રાષ્ટ્ર-નિર્માણ માં યુવાનોની ભૂમિકા જેવા વિષયો પર પણ સંવાદ થયેલ હતો. સાજે ૪.૩૦ થી આ વિદ્યાર્થીઓ દ્વારા પૂર્ણ ગણવેશ અને ઘોષ (બેન્ડ) સહીત નવસારી નગરમાં મદ્રેસા સ્કુલ થી ફૂવારા, ટાવર, નગરપાલિકા, બસ ડેપો, લુન્સી કુઈ, સિંધી કેમ્પ, દુધિઆ તળાવ, આશાપુરી થઇ પરત મદ્રેસા સ્કુલ સુધી સંચલન કાઢવામાં આવેલ હતી. જે દરમિયાન વિવિધ સ્થળો પર નાગરીકો દ્વારા ઠેર ઠેર ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.
કાર્યક્રમનાં અંતે સમાપન સમારોહ માં નવસારીના કેરસી દેબુ ઉપાધ્યક્ષ રાષ્ટ્રીય લઘુમતી આયોગ અને ડૉ. ચિંતનભાઈ ઉપાધ્યાય પ્રાંત પ્રચારક ગુજરાત તેમજ પરેશભાઈ રાઠોડ નગર સંઘચાલક ઉપસ્થિત રહ્યા હતા. કેરસી દેબુ એ પોતાના ઉદબોધન માં સંઘ પ્રત્યે ફેલાવવામાં આવતી ભ્રમણાઓથી દુર રહેવા તેમજ સમાજનાં પ્રત્યેક ઘટકને સંઘ સાથે જોડવા આહ્વાન કર્યું હતું.
પારસી સમુદાયનો ભારતમાં સમાવેશની ઘટનાથી હિંદુ સમાજનું સર્વ સમાવેશકની ભાવનાને પણ બિરદાવી હતી. ચિંતનભાઈ ઉપાધ્યાયએ યુવાનોને રાષ્ટ્ર માટે જીવવાની પ્રેરણા આપતા કહ્યું કે, સ્વતંત્ર, સ્વાવલંબન અને ભારતીયકરણ જ આ રાષ્ટ્ર ને પરમવૈભવના સ્થાને પહોચાડી શકશે.
આજે, ભૌતિક પ્રગતિની આડમાં સમાજ, પરિવાર અને વ્યક્તિમાં જીવનમુલ્યોનો હ્રાસ થઇ રહ્યો છે, જેથી સમાજ-જીવનમાં કેટલાક દુષણોનું પ્રમાણ વધી રહ્યું છે. જેને ઠીક કરવા મારે સમાજના પ્રત્યેક ઘટકનું મુલ્યો આધારિત માર્ગદર્શન થવું જરૂરી છે. આ દેશ હવે વિશ્વ નો સૌથી યુવા દેશ છે, માટે રાષ્ટ્ર વિકાસમાં ચારિત્ર્યવાન, નિષ્ઠાવાન, પ્રમાણિક અમે સમર્પિત યુવાનોનું મહત્વનું યોગદાન રહેવાનું છે, માટે વધુ ને વધુ યુવાનો રોજબરોજ સંઘની શાખામાં આવતા થાય અને ભારતીય મુલ્યો આધારિત કેળવણી મેળવે અને સાથે શારીરિક અને માનસિક રીતે સશક્ત બને તે જરૂરી છે.
નવસારી નગરમાંથી ૫૦ જેટલા વ્યવસાયી કાર્યકતાઓએ આ કાર્યક્રમની વ્યવસ્થા સાંભળી હતી.અંતમાં ડો વિપુલ પટેલ જિલ્લા કાર્યવાહ દ્વારા મદ્રેસા સ્કુલ, પોલીસ અને નગરપાલિકા પ્રશાસન તેમજ નવસારીના તમામ નગરજનોનો આભાર વ્યક્ત કરવામાં આવેલ હતો.