
નવસારી શહેરમાં મહોરમ (તાજીયા) તહેવારને અનુલક્ષીને કાયદો- વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પડાયું
- Local News
- July 16, 2024
- No Comment
આગામી તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ (મહોરમ) કતલની રાત તથા તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મહોરમ તાજીયાનો તહેવારની ઉજવણી કરવામાં આવનાર છે. આ તહેવાર દરમિયાન મુસ્લિમ ભાઇઓ તરફથી બંને દિવસો સહિત નવસારી શહેરમાં જુલુસ કાઢવામાં આવનાર છે. આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થા તેમજ ટ્રાફિક નિયમન જળવાઇ રહે તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ કેતન પી.જોષીએ એક જાહેરનામાં દ્વારા જાહેર જનતાના હિત માટે ટ્રાફિક વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જાહેરનામાં મુજબ નવસારી શહેર વિસ્તારમાં તાજીયા શહાદતના દિવસે પ્રજાપતિ આશ્રમ થી ડેપો, ચારપુલ ચોકી થી પાંચ હાટડી અને ઇન્દિરાજીની પ્રતિમા જુનાથાણા થી પાંચ હાટડી, મોટા બજાર, ટાવર પોલીસ સ્ટેશન થઇ ખાટકીવાડ સુધીનો માર્ગ તા.૧૬/૦૭/૨૦૨૪ ના રોજ રાત્રે ૨૦-૦૦ કલાક થી તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ મળસ્કે ૧-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે. તેમજ નવસારી શહેર વિસ્તારમાં તા.૧૭/૦૭/૨૦૨૪ ના રોજ તાજીયા વિસર્જન દિવસે પ્રજાપતિ આશ્રમથી ડેપો, ચારપુલ ચોકી થી પાંચ હાટડી અને જુનાથાણા સર્કલથી પાંચ હાટડી મોટા બજાર ટાવર પોલીસ સ્ટેશન ખાટકીવાડ થઇ પારસી અગિયારી સુધીનો માર્ગ બપોરે ૧૪-૦૦ કલાકથી ૨૪-૦૦ કલાક સુધી વાહન વ્યવહાર માટે બંધ રહેશે.
આ પ્રતિબંધિત સમય દરમિયાન લુન્સીકુઇ થી સ્ટેશન જતા-આવતા વાહન ચાલકો, દૂધિયા તળાવ, આશાનગર, સાંઢકૂવા થઇ સ્ટેશન અથવા લુન્સીકુઇ થી દરગાહ રોડ, માર્કેટ, ગોલવાડ, ફુવારા થઇ સ્ટેશન જતા માર્ગનો ઉપયોગ કરી શકશે. પ્રતિબંધિત માર્ગ પાસેના રહેણાંક વિસ્તારમાં વાહન ચાલકો આજુબાજુ તથા ગલી-શેરીઓનો ઉપયોગ કરી શકશે. સુરત જતા-આવતા વાહનો વિરાવળ નાકા, ઝવેરી સડક રોડ, જુનાથાણા, કાલિયાવાડી નાકા દશેરા ટેકરી, લુન્સીકુઇ થઇ શહેરમાં પ્રવેશી શકશે.
આ હુકમનો અનાદર કે ભંગ કરનાર ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ ની કલમ-૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર થશે.