
છેલ્લા સાત વર્ષથી : નવસારીમાં ગણેશ વિસર્જન દરમિયાન જોવા મળ્યો અનોખો સેવા યજ્ઞ
- Local News
- September 17, 2024
- No Comment
નવસારીમાં ગણેશ વિસર્જન દરમિયાન રોટરી કલબ દ્વારા રોબિન હુડ આર્મી અને સ્ટુડન્ટ ફોર સેવા સ્વંયસેવકો સાથ અને સહકાર થકી અનોખો સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે. વાંચો આ અનોખા સેવા યજ્ઞ વિશે વિસ્તારપૂર્વક.
ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ વિસર્જનનું અનેરુ મહત્વ રહેલું છે. વિસર્જન દરમિયાન ગણપતિજીની પ્રતિમાને ફૂલ હાર, પૂજાપો તેમજ ખાદ્ય પદાર્થોના પ્રસાદથી પૂજા અર્ચન કરવામાં આવે છે. ગણપતિજીનું વિસર્જન જે જળાશયમાં કરવામાં આવે છે તે જળાશયમાં આ સામગ્રી જવા પરિણામે પ્રદૂષણ થવા પાલે છે. આ વિસર્જીત સામગ્રીઓ ફૂલહાર,ફળો તેમજ અન્ય સામ્રગી સડી જવાને પરિણામે નદી, તળાવ તેમજ જળાશયનું પાણી પ્રદૂષિત થાય છે અને જળચર જીવો તકલીફ પડતી હોય છે. આ પ્રદૂષણનું વિઘ્ન નિવારવા નવસારીમાં રોટરી કલબ દ્વારા અનોખો સેવા યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.
અનોખો સેવા યજ્ઞઃ વિસર્જન કરવા માટે લાવવામાં આવતા ગણેશજીની પ્રતિમા પરથી વિસર્જન પહેલા આ સામગ્રી મૂર્તિઓ ઉપર દૂર કરી દેવામાં આવે છે. આ સામગ્રીમાં ફૂલ, હાર, ફુલોની પાંદડી, પૂજાપા, ખાદ્ય સામગ્રી, પ્રસાદ વિગેરેનો સમાવેશ થાય છે. આ દરેક સામગ્રીને નદીના પાણીમાં વહાવાને બદલે મૂર્તિ પરથી લઈને એકત્રિત કરવામાં આવે છે. આ સામગ્રી નદીમાં જતી ન હોવાથી નદી પ્રદૂષિત થતી નથી. તેનો બીજો ફાયદો એ છે કે આ એકત્ર કરેલ સામગ્રીમાંથી કુદરતી ખાતર એટલે કે વર્મીકમ્પોસ્ટ બનાવવામાં આવે છે. આ વર્મીકમ્પોસ્ટ લોકોના ઘરે ફુંડામાં ખાતર તેમજ ખેડૂતોમાં ખાતર તરીકે વિતરણ કરવામાં આવે છે.
રોટરી કલબ નવસારીની સરાહનીય કામગીરીઃ નવસારી રોટરી કલબના સભ્યો દ્વારા આ કામ સેવાની દ્રષ્ટિએ કરવામાં આવી રહ્યું છે. આ સેવા યજ્ઞથી પર્યાવરણની જાળવણી થાય છે શહેરના લોકો તેમજ ખેડૂતોને કુદરતી ખાતર વિનામૂલ્યે મળી રહે છે. આખા દિવસ દરમિયાન ગણેશ વિસર્જન કરવાના સ્થળોએથી કુલ 8થી 10 ટન ફૂલો તેમજ અન્ય સામગ્રી એકત્ર કરવામાં આવી રહી છે. રોટરી કલબના મેમ્બર્સ ઉમદા કાર્ય કરી રહ્યા છે.
આ કાર્યમાં નવસારીની રોબિન હુડ આર્મી સહયોગ મળ્યો છે તેમજ નવસારી વિજલપોર નગર પાલિકા પણ તેમના કાર્યમાં સહયોગ કરી રહી છે. આ ઉમદા કાર્યમાં હવે ગણેશ ભકતો પણ સહભાગી બની રહ્યા છે. ભક્તો વિસર્જન પહેલા સામે ચાલીને ગણેશજીની પ્રતિમા પરથી આ સામગ્રી રોટરી કલબના મેમ્બર્સ પાસે જમા કરાવી જાય છે અને માત્ર ગણેશજીની પ્રતિમાને જ પૂર્ણા નદીમાં વિસર્જીત કરી રહ્યા છે.
આજે આઠમાં વર્ષે પણ આ સેવા યજ્ઞ કરવામાં આવી રહ્યો છે . જેમાં વિઘ્નહર્તા દેવ પર ચડાવવામાં આવતા ફુલો અને પૂજાપાને એકત્ર કરીને આ સામગ્રીમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવી જરૂરિયાતમંદ એવા ખેડૂતો તથા લોકોને ઘરના કુંડામાં નિઃશુલ્ક આપવામાં આવે છે.
રોટરી ક્લબ દ્વારા અહીં જે અનોખો સેવા યજ્ઞ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સરાહનિય છે, કારણ કે ગણેશજીની મૂર્તિ પર ચઢાવવામાં આવેલો ફૂલો અને પૂજાપો નદીમાં વિસર્જીત કરવાથી નદી પ્રદૂષિત થાય છે અને તેમાં રહેલા જીવોને પણ નુકસાન થતું હોય છે. આ સામગ્રીમાંથી વર્મીકમ્પોસ્ટ બનાવીને ખેડૂતોમાં વિતરણ કરાય છે જે ખરેખર આવકારદાયક પ્રયાસ છે કિરણ પુરોહિત અશોકવન યુવક મંડળ