
કેન્દ્રિય જલશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે ૩૦૦૦ સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો
- Local News
- September 20, 2024
- No Comment
પેટ્રોનેટ એલ.એન.જી.લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી બાળકીઓના શૈક્ષણિક ઉત્થાન માટે સાઈકલનું વિતરણ કરાયું
આજરોજ ગણદેવી રોડ સ્થિત બી.આર.ફાર્મ ખાતે પેટ્રોનેટ એલ એન જી લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી નવસારીના સાંસદ અને ભારત સરકારના જલશક્તિ મંત્રાલય મંત્રી સી. આર. પાટીલના અધ્યક્ષસ્થાને તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતીમાં નવસારી જિલ્લાના ધોરણ ૮ માં અભ્યાસ કરતી કન્યાઓના ઉજવળ ભવિષ્ય માટે ૩૦૦૦ સાઈકલ વિતરણ સમારોહ કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે ભારત સરકારના કેબિનેટ મંત્રી સી.આર.પાટીલે અધ્યક્ષસ્થાનેથી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહિલા તથા બાળકીઓના સર્વાંગી વિકાસ માટે હરહંમેશ કટિબધ્ધ રહ્યા છે. આ શુભ આશયમાં ગુજરાતની ઘણી કંપનીઓ ઘણા વર્ષોથી સી.એસ.આર હેઠળ મહિલાઓના વિકાસ માટે સહયોગ આપી મદદરૂપ થઈ રહ્યા છે. આજે નવસારી જિલ્લાની કન્યાઓને ભણવામાં કોઈ બાધા ન આવે તથા અવર જવરની સરળતા માટે પેટ્રોનેટ એલ એન જી લિમિટેડના સી.એસ.આર હેઠળ ૩૦૦૦ થી વધુ સાઈક્લ વિતરણ આજે નવસારી જિલ્લાની કન્યાઓને કરવામાં આવી છે જે જનભાગીદારી થકી સમાજના સર્વાંગી વિકાસનું શ્રેષ્ટ ઉદાહરણ છે.
આ પ્રસંગે દરેક નાગરિકોને પોતાના ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટ પધ્ધતિ અપનાવવા અનુરોધ કરતા જલશક્તિ મંત્રાલય મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું કે, જનશક્તિથી જળશક્તિ’ ને સફળ બનાવવા સંકલ્પ લઈએ. સામૂહિક કામગીરીથી ભૂગર્ભ જળના સ્તર ઊંચા લાવીશું તો આવનારી પેઢીના આપણે ઋણી બનીશું. દરેક નાગરિકને પોતાના ઘરમાં રેઇનવોટર હાર્વેસ્ટ પધ્ધતિ અપનાવવા “ કેચ ધી રેન”ના મહાઅભિયાનમાં જોડાય તે માટે અનુરોધ કર્યો હતો. આ સાથે આવનાર સમયમાં ‘વિકાસ મોડેલ’ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં ‘જળસંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે’ તેવી આશા વ્યક્ત કરી હતી. વધુમાં હાલમાં ચાલી રહેલ “સ્વચ્છતા હી સેવા પખવાડીયા”માં લોકો સ્વચ્છતાને પોતાનો સ્વાભાવ બનાવી નવસારીને સૌથી સ્વચ્છ શહેર બનાવવા યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.
https://youtu.be/qDb3-offEgU?si=Bm4P0XDQl8Cq94Xc
અંતે તેમણે પેટ્રોનેટ એલ.એન.જી. લિમિટેડ, ત્રયમ ફાઉન્ડેશનના સહયોગથી નવસારીની કન્યાઓના સામાજિક ઉત્થાનમાં મદદરૂપ બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે કેબિનેટ મંત્રીશ્રી સહિત મહાનુભાવોના હસ્તે નવસારી, જલાલપોર, ગણદેવી અને ચીખલી તાલુકાની ધોરણ ૮ માં અભ્યાસ કરતી કન્યાઓને સાઈકલ સાધન અર્પણ કરાયા હતા.
આ સમારોહમાં જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઇ દેસાઇ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ,ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, કલેક્ટર ક્ષિપ્રા આગ્રે , જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા,સહિત વિવિધ પદાધિકારીઓ, ભારત પેટ્રોલીયમ ઈન્ડીપેન્ડન્ટ ડીરેક્ટર સુષ્મા અગ્રવાલ, પેટ્રોનેટ એલ.એન.જી.લિમિટેડના ડીરેક્ટર વી.કે.મિશ્રા, ત્રયમ ફાઉન્ડેશન પ્રતિનિધિઓ અને નવસારીની ધોરણ ૮ની કન્યાઓ સહિત જાહેર જનતા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
વિકાસ મોડેલ તરીકે પ્રખ્યાત ગુજરાત આગામી દિવસોમાં જળસંચયમાં પણ દેશનું મોડેલ રાજ્ય બનશે:જલશક્તિ મંત્રાલય મંત્રી સી. આર. પાટીલ