આવતીકાલે જલાલપોર તાલુકાના મટવાડ ગામે જિલ્લા કક્ષાના ગણતંત્ર પર્વની ઉજવણી કરાશે
- Local News
- January 25, 2025
- No Comment
નવસારી જિલ્લા કક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી જલાલપોર તાલુકાના દાંડી રોડ, ક્રિકેટ ગ્રાઉન્ડ મટવાડ ગામે વન અને પર્યાવરણ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજય મંત્રી મુકેશભાઇ પટેલ અધ્યક્ષતામાં યોજાશે. જિલ્લા કક્ષાની ઉજવણીની આખરી તૈયારીના ભાગરૂપે કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેની ઉપસ્થિતિમાં રિહર્સલ યોજાયું હતું. કાર્યક્રમના સ્થળે કલેક્ટરશ્રી દ્વારા જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા.
નવસારી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કક્ષાની આ ઉજવણીને ધ્યાને લઈને કાર્યક્રમ સ્થળે તડામાર તૈયારીઓ કરવામાં આવી છે. જેના ભાગરૂપે આયોજિત રિહર્સલમાં સૌ ઉપસ્થિતો દ્વારા રાષ્ટ્રગાન તેમજ ત્રિરંગાને સલામી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. રિહર્સલ દરમિયાન કલેકટરશ્રીએ પરેડનું નિરીક્ષણ પણ કર્યું હતું.
જિલ્લા કક્ષાનો કાર્યક્રમ સરળ સુગમ રીતે પાર પડે તે માટે વિવિધ વિભાગોએ રિહર્સલમાં ભાગ લીધો હતો અને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. આ અવસરે જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ જિલ્લા તથા સ્થાનિક કક્ષાના અધિકારી-કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા.
નવસારી કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લાકક્ષાના ગણતંત્ર દિનની ઉજવણીનું મટવાડ ગામે રિહર્સલ કરાયું