નવસારી શહેરમાં રત્નકલાકારો હડતાળ પર ઉતર્યા: સહજાનંદ એક્સપોર્ટના હીરાના 700થી વધુ કારીગરોએ હોબાળો કર્યો, હીરા પોલિશના મથાળાના ભાવમાં 8 રૂપિયાથી ઘટાડી 6.6 કરાતાં નારાજગી વ્યક્ત કરી
- Local News
- April 1, 2025
- No Comment
નવસારી શહેરના શાંતાદેવી વિસ્તારમાં આવેલી સહજાનંદ એક્સપોર્ટ હીરા ફેક્ટરીમાં કામ કરતા રત્નકલાકારોએ ભાવ ઘટાડાના મુદ્દે હડતાળ પાડી છે.હીરા પોલિશમાં મળતા મથાળાના દર ઘટાડવામાં આવ્યો હોવાથી અસંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ફેક્ટરીમાં 700થી 800 જેટલા રત્નકલાકારો આજે હડતાળમાં જોડાયા છે, જેનાથી ફેક્ટરીના કામકાજ વિક્ષેપ પડ્યો હતો.

હીરાના ભાવમાં વધારો ન કરી શકતા
હીરાની ફેક્ટરીમાં હીરા પોલિશના ભાવ પહેલાં 8 રૂપિયા હતો,જે હાલ ઘટીને 6.6 રૂપિયા થયા છે. તેમજ તળિયાના જૂના ભાવ 10 રૂપિયાથી ઘટીને 8.70 રૂપિયા રાખવામાં આવ્યા છે.રત્નકલાકારોએ પોતાની માંગ અનુસાર હીરાના ભાવમાં વધારો ન કરી શકતા હોવાને કારણે હડતાળનો નિર્ણય લીધો હતો.આ ભાવ ઘટાડાને લઈને રત્નકલાકારોએ આ ઘટાડાને લઈને નારાજગી વ્યક્ત કરી છે. જૂના ભાવ યથાવત રાખ્યા માંગ કરી રહ્યા છે, જે રત્નકલાકારો માટે અસંતોષનું કારણ બન્યું છે.

નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી
સહજાનંદ એક્સપોર્ટના સંચાલક શાંતિલાલે જણાવ્યું હતું કે , “રફ હીરાના ભાવમાં ઉતાર-ચઢાવ અને પોલિશ થયેલા હીરાના નરમ બજારને કારણે વર્તમાન ભાવ નક્કી કરવામાં આવ્યા છે. જો બજારમાં તેજી આવશે તો ભાવ વધારવાની ખાતરી આપી છે.”
હડતાળમાં જોડાયેલા રત્નકલાકારોએ જણાવ્યું હતું કે, દિવસે ને દિવસે “વધતી મોંઘવારીમાં વર્તમાન હીરાના ભાવથી ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે.જો ભાવ વધારો નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. તેમ ચીમકી પણ ઉચ્ચારી છે.

આ હડતાળના કારણે ફેક્ટરીના ઉત્પાદન પર અસર પડી છે અને રત્નકલાકારોના આંદોલનને લઈને હીરા ઉદ્યોગમાં ચિંતાનો માહોલ છે. રત્નકલાકારોએ સરકાર અને ફેક્ટરી સંચાલકોને આ મુદ્દે તાત્કાલિક ઉકેલ લાવવા અપીલ કરી છે.
