સૈકા પૂર્વે શરૂ થયેલ પરંપરા આજે ડીજીટલ યુગમાં પણ આજે પણ જીવંત:કોલેરાથી તારનાર ઢીંગલા બાપાનો ઉત્સવ યોજાયો,પરંપરાગત રિવાજ અનુસાર કરાઈ ઉજવણી
- Local News
- July 24, 2025
- No Comment
સૈકા પૂર્વે નવસારી શહેરમાં કોલેરાથી બચાવનારા ઢીંગલાબાપાનો પરંપરાગત ઉત્સવ ઉજવાયો:દાંડીવાડથી શરૂ થઈ ભવ્ય શોભાયાત્રા, પૂર્ણા નદીમાં વિસર્જન સાથે પૂર્ણ કરવામાં આવશે
https://youtu.be/DJiQcp-UwKM?si=WebFEuJgOvML9aA1
નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાં શતાબ્દીથી વધુ સમયથી ચાલી આવતી એક અનોખી પરંપરાનું આજે પણ પાલન કરવામાં આવે છે.આદિવાસી સમુદાય અને શહેરીજનોના સહયોગથી દર વર્ષે ઢીંગલાબાપાની યાત્રા યોજાય છે.લોકમાન્યતા અનુસાર ઢીંગલા બાપાની પૂજા અને વિસર્જનથી શહેરને સાંકળી રહેલી કોલેરાની મહામારી માંથી રાહત મળી હતી. ત્યારથી આજદિન સુધી લોકો આ પરંપરાને શ્રદ્ધાથી નિભાવે છે.

એક દંતકથા અનુસાર,સૈકા પૂર્વે કોલેરાએ નવસારીમાં હાહાકાર મચાવ્યો હતો. સમયગાળામાં પ્લેગ કે કોલેરા જેવો ભયકર રોગચાળો ફાટી નીકળ્યો હતો ત્યારે આદિવાસી સમાજના લોકો ટપોટપ મરવા લાગ્યા હતાં. આ રોગચાળો દૂર થાય એવા આશયથી પારસી કોમનાં લોકોએ તેમનાં અગ્નિદેવની આરાધના કરવા દરમિયાન પારસી કોમનાં એક સદ્દગૃહસ્થને અગ્નિ દેવતાએ સપનામાં આવી માનવ આકારનો ઢીંગલો બનાવી તેની શોભાયાત્રા કાઢી બાદમાં તેનું પૂર્ણા નદીમાં વિસર્જન કરવું એવો આદેશ આપ્યો હતો.

આ સદ્દગૃહસથે તેમને ત્યાં કામ કરતાં સ્વ.લલ્લુભાઈ પાંચિયાભાઈ રાઠોડને તેમનાં જેવો ઢીંગલો બનાવી ત્રણ દિવસ ઘરમાં રાખી દિવાસાને દિવસે શોભાયાત્રા કાઢી સાંજે પૂર્ણા નદીમાં તેનું વિસર્જન કરવાનું જણાવ્યુ હતું. આજે પણ રતિલાલ રાઠોડના પૂર્વજો જે પ્રમાણે ઢીંગલાબાપાને ઘાસ, કપડા અને માટીથી બનાવીને શોભાયાત્રા સાથે પૂજાપાઠ કર્યા અને વિસર્જન કર્યું. માન્યતા છે કે ત્યાર બાદ કોલેરાના કેસ રીતે ઘટ્યા હતા. તે પરંપરાઓ આજે પણ ચાલુ છે.

આજે પણ તે જ શ્રદ્ધા સાથે લોકો ઢીંગલાને ઘાસ,કપડા અને માટીથી બનાવે છે.એની માથે પારંપરિક સાફો બાંધવામાં આવે છે અને માન્યતા મુજબ સિગરેટ પણ પીવડાવવામાં આવે છે. નવસારી શહેરના દાંડીવાડ વિસ્તારમાંથી શરૂ થતી શોભાયાત્રામાં અનેક વિસ્તારોમાં ઢીંગલાબાપાને ભક્તિભાવે ફેરવવામાં આવે છે, જેમાં નાચગાન,વાદ્યયંત્રો અને પારસી પોશાકમાં સજ્જ લોકોએ ભાગ લીધો હતો.

દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોથી આવતા આદિવાસીઓ આ ઉત્સવમાં જોડાય છે. યાત્રા પૂરી થયા બાદ ઢીંગલાબાપાનું વિસર્જન પૂર્ણા નદીમાં થાય છે. દાંડીવાડથી નદી સુધીના માર્ગ પર મેળાનો માહોલ સર્જાય છે અને દિવાસના દિવસે આખું શહેર આ ઉત્સવમય બની જાય છે.ડિજિટલ યુગ હોવા છતાં એવી પરંપરાઓ આજે પણ જીવંત છે જે સમાજના સંસ્કૃતિસંગત વારસાને જીવંત રાખે છે. ઢીંગલાબાપાની યાત્રા એ શ્રદ્ધા, લોકવિશાસ અને સામૂહિક એકતાનું જીવતું પ્રતિક બની રહે છે
