નવસારી ખાતે વંદે ભારત ટ્રેન ના સ્ટોપેજ ની માંગણી રેલ મંત્રાલય તરફથી સ્વીકારાય
- Local News
- July 29, 2025
- No Comment
નવસારી જિલ્લાના રેલવે મુસાફરો માટે આનંદના સમાચાર આવ્યા છે. ભારત સરકારના રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવજી સાથે નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ અને નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહની આગેવાની હેઠળ નવસારી ખાતે વંદે ભારત ટ્રેનના સ્ટોપેજ ની માંગણી કરવામાં આવી હતી.મંત્રાલય તરફથી આ મહત્વપૂર્ણ માંગણી પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે અને ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત થવાની અપેક્ષા છે.

આ બેઠક દરમિયાન નવસારી જિલ્લાના રેલવે વિકાસ સાથે જોડાયેલા અનેક લાંબા સમયથી બાકી પ્રશ્નો પર પણ ચર્ચા થઈ. સ્ટેશનના આધુનિકીકરણ,પ્લેટફોર્મ વિસ્તરણ, પાર્કિંગ સુવિધા, મુસાફરો માટે આધુનિક સુવિધા કેન્દ્ર, વિવિધ એક્સપ્રેસ ટ્રેનના સ્ટોપેજ અને લોકલ ટ્રેન સેવા જેવા મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. રેલ મંત્રીએ આ મુદ્દાઓને ગંભીરતાથી લઈ તાત્કાલિક કાર્યવાહી કરવાનો વિશ્વાસ આપ્યો હતો. આ ઉપરાંત સુરત અને વાપી વચ્ચે ચાલતી મેમુ ટ્રેન માટે પણ રજૂઆત કરાય છે.

જે અંગે રેલવે મંત્રાલય દ્રારા સકારાત્મક પ્રતિસાદ આપવામાં આવ્યો છે .આ બેઠકમાં નવસારી જિલ્લાના ધારાસભ્યો નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની,માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, જિલ્લા ભાજપના હોદ્દેદારો તથા નવસારી ચેમ્બર ઓફ કોમર્સના રાજુભાઈ દેરાસરીયા, નવસારી ક્રેડાઈના ભરતભાઈ સુખડિયા, નવસારી ડાયમંડ એસોસિયેશનના કમલેશ માલાની સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા
નવસારીમાં વંદે ભારત ટ્રેનના સ્ટોપેજથી જિલ્લાના મુસાફરોને ઝડપી, આરામદાયક અને આધુનિક ટ્રેન સેવા મળશે. રોજિંદા મુસાફરો, વિદ્યાર્થીઓ, વેપારીઓ અને ઉદ્યોગકારો માટે આ સુવિધા મુસાફરીનો સમય ઘટાડશે અને દક્ષિણ ગુજરાતને રાષ્ટ્રીય રેલવે નેટવર્ક સાથે વધુ સારી રીતે જોડશે.

કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલએ જણાવ્યું હતું કે.”નવસારીના પ્રજાજનોને આધુનિક રેલવે સેવાઓ ઉપલબ્ધ કરાવવા અમે પ્રતિબદ્ધ છીએ. વંદે ભારત સ્ટોપેજ જિલ્લાના વિકાસમાં એક નવી સિદ્ધિ સાબિત થશે.”

જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહએ ઉમેર્યુ હતું કે”બેઠકમાં નવસારીના અનેક રેલવે પ્રશ્નો પર સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. આવનારા સમયમાં મુસાફરો માટે નોંધપાત્ર સુધારો જોવા મળશે.”
ભારતીય જનતા પાર્ટી પ્રજાહિતના મુદ્દાઓને પ્રાથમિકતા આપતી આવી છે અને ભવિષ્યમાં પણ નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેશે.

