નવસારી જિલ્લામાં સામાજિક વનીકરણ વિભાગ સુપા રેન્જ દ્વારા “વિશ્વ સિંહ દિવસ”ની ઉજવણી શાળાઓમાં જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું
- Local News
- August 10, 2025
- No Comment
દર વર્ષે 10 ઓગસ્ટે વિશ્વભરમાં સિંહોના સંરક્ષણ અને તેમના મહત્વ વિશે જાગૃતિ ફેલાવવા વિશ્વ સિંહ દિવસ ઉજવવામાં આવે છે.તે અંતર્ગત નવસારી જિલ્લાના સામાજિક વનીકરણ રેંજ સુપા દ્વારા એક સપ્તાહ જનજાગૃતિ અભિયાન હાથ ધરાયું હતું.

આ અભિયાન હેઠળ નવસારીની એ.બી. સ્કૂલ સહિત અનેક શાળાઓમાં સિંહ દિવસની ઉજવણી યોજાઈ હતી. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને સિંહોના સંરક્ષણ અને સંવર્ધન, જૈવિક મહત્વ અને સ્થાનિક પર્યાવરણમાં તેમની ભૂમિકા અંગે માહિતગાર કરવાનો હતો.

શાળાઓમાં આયોજિત કાર્યક્રમોમાં નવસારી રેન્જ ફોરેસ્ટ ઓફિસર હિના પટેલે સિંહોના સંરક્ષણ માટે વન વિભાગના પ્રયાસો અંગે વિગતવાર માહિતિ આપી હતી. તેમણે સિંહોની વર્તણૂક, જીવનચક્ર અને માનવ-સિંહ સંઘર્ષ ઘટાડવા માટેના પગલાં અંગે પણ ચર્ચા કરી હતી.
આ અવસરે વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરી, પોતાના વાવેલા વૃક્ષને સાચવવાનો સંકલ્પ લીધો હતો. સાથે જ સિંહોના કુદરતી નિવાસસ્થાનનું રક્ષણ અને સહઅસ્તિત્વ પ્રોત્સાહિત કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરતાં શપથ લીધા હતા

જનજાગૃતિ અભિયાન અંતર્ગત નવસારીના સામાજિક વનીકરણ વિભાગના નાયબ વનસંરક્ષક ઉર્વશી આઈ. પ્રજાપતિ તથા મદદનીશ વનસંરક્ષક કેયુર પટેલના માર્ગદર્શન હેઠળ વિવિધ શાળાઓમાં નિબંધ લેખન, ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધા, પ્રશ્નોત્તરી, ગોષ્ઠી તેમજ જાહેર સ્થળોએ રેલી જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ તમામ પ્રવૃત્તિઓ મારફતે “સિંહ બચાવો”નો સંદેશ પ્રસરાવ્યો હતો.

