નવસારી જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જીવનપ્રસંગો પર આધારિત ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું
- Local News
- September 26, 2025
- No Comment
દેશના લોકલાડીલા અને યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમો અંતર્ગત નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન ના જીવનપ્રસંગો તથા દેશસેવામાં આપેલા અસાધારણ યોગદાનને કેન્દ્રસ્થાને રાખીને વિશાળ ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ચિત્ર પ્રદર્શન નવસારીના સ્ટેશન રોડ સ્થિત ગિરિરાજ કોમ્પલેક્ષ ખાતે ભવ્ય રીતે યોજાયું હતું.
આ પ્રસંગે ગુજરાત ભાજપની મંત્રી શીતલબેન સોની, નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ તેમજ જિલ્લા ભાજપના આગેવાનો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ચિત્ર પ્રદર્શન દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રારંભિક જીવનથી લઈને દેશના સર્વોચ્ચ પદ સુધીના પ્રેરણાદાયી પ્રવાસ, સેવાકાર્યો, રાષ્ટ્રહિત માટે લીધેલા નિર્ણયો તથા ભારતને વૈશ્વિક સ્તરે ગૌરવ અપાવનારા પ્રયત્નોને અનોખી રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત આગેવાનો દ્વારા આ ચિત્ર પ્રદર્શનની પ્રશંસા કરતાં જણાવાયું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના જીવનમાં ત્યાગ, પરિશ્રમ અને સમર્પણના મૂલ્યો દ્વારા દેશને નવી દિશા આપી છે. કાર્યકર્તાઓ અને યુવા પેઢી માટે તેમનું જીવન એક જીવંત પ્રેરણાસ્ત્રોત છે.
આ ચિત્ર પ્રદર્શન નવસારીના નાગરિકો માટે બે દિવસ સુધી ખુલ્લું રહેશે જેથી વધુમાં વધુ લોકો વડાપ્રધાન ના પ્રેરણાદાયી જીવનપ્રસંગોને નિહાળી શકે છે.